Sunday, May 25, 2025

ચણાં ચોર ગરમ



સાહિત્ય પરિષદનાં નાકે ચણાચોર ગરમ વેચતો તો

હિંદી ફિલ્મમાં ગાવામાં આવ્યું છે

એમ એના ચણાં ચોર ગરમ

ખુદગર્ઝીના છે

મનમરજીનાં છે

લીંબુ નીચોવી મસાલો નાંખી

ચટાકો તૈયાર કરે છે

સામે એક ખંડમાં ગોર્વધનરામની પ્રતિમા સામે

અર્ધભરેલા ખંડમાં એક માણસ ઝભ્ભો પહેરીને

દુનિયાની ચિંતા કરે છે

ત્યાં આવતા કોઇ આના ગ્રાહક નથી

મોટાભાગનાનાં દાંત નિવૃત્ત થઇ ગયા છે

એ જડબા હવે ખાલી બોલી શકે છે

એના ગ્રાહકો છે સામે બનેલા દૈત્યાકાર કોંક્રીટનાં કિનારે

બેસતા યુવાન જોડાઓ

ભવિષ્યની ચિંતા નહીં સ્વપ્ન જોતા જોતા

ચટપટા મસાલેદાર યુવાનીમાં રાચતા રાચતા એને આરોગે છે

ટુ વ્હીલરની સીટ પર કે કારનાં ડેશબોર્ડ પર

અખબારનાં કાગળો પર પાથરેલા આ ચણાં ચોર ગરમ

તટસ્થ મુક પ્રેક્ષક છે

આ યુવાનોની જીંદગીમાં અખબાર આટલો સમય જ આવે છે

લખેલા કાગળો હવે તેમની જીંદગીમાં ખાલી

ચવાણાંસીંગ કે નાસ્તામાં જ આવે છે

બાકી બધુ તેમનાં મોબાઇલમાં આવે છે

કોંક્રીટનાં બે કિનારા વચ્ચે પાણી કેદ કરાયું છે

સુરજ હવે ઉંચા મકાનો પાછળ ડુબી રહ્યો છે

પંખીઓ એમનાં ફ્લેટની છાજલીએ બનાવેવા

માળાં તરફ પાછા ફરી રહ્યા છે

એમને પણ ટ્રાફિક નડી રહ્યો છે

નીચે યુવાનો વગર પાંખે ઉડી રહ્યા છે

પેલા ચણાં ચોર ગરમનાં ડસ્ટબીનમાં ફેંકાયેલા કાગળ પર

થોડા ઝુંપડા તુટવાના સમાચાર છે

બુલડોઝરનાં ફોટા છે

પરિષદની અંદર એક સાહિત્યકાર બોલી રહ્યા છે

વૃક્ષો કપાઇ જવાની બાબતે ગુસ્સો ઠાલવી રહ્યા છે

એસિડીક ભાષામાં એ ટીકા કરે છે

બહાર ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર ચાલતી જાતજાતની રીલો યુવિનો બનાવી રહ્યા છે

પરિષદમાં ટ્યુબલાઇટ બંધ થાય છે અને તરત

મ્યુનિસિપાલિટિની લાઇટો ચાલુ થાય છે

બધા ઘરે જવાની તૈયારી કરે છે

પોતપોતાના ઘરે બધા પોતાની હેસિયત પ્રમાણે પહોંચે છે

કારબાઇકરીક્ષાઓલાઉબેરરેપીડોલીફ્ટ કે ચાલતા

પેલો ચણાં ચોર ગરમવાળો પણ

બધો માલ વેચાઇ ગયાની ખુશીમાં 

ચાલતા ચાલતા એના ઘર તરફ જાય છે

પણ ત્યાં તો ઘર હતુ જ નહીં

કાટમાળ પણ નહતો 

કૉણ ગળી ગયું એનું ઘર...

એનો ખુદગર્ઝ સ્વમાનનો વધેલો ચણો

એની સામે જોઇ રહ્યો હતો

અખબારમાં કદાચ આજ વિસ્તારનાં ગરમેગરમ

સમાચાર છપાઇ રહ્યા હતા

વિદ્વાનો પુસ્તક વાંચી રહ્યા હતા

યુવાનો રીલ જોઇ રહ્યા હતા

બીજા દિવસે પણ એ ચણા ચોર ગરમ વેચતો હતો

બુલડોઝરનાં ફોટાવાળા અખબારની પસ્તીમાં

ચટાકો બધા માણી રહ્યા હતા

બસ ખાલી બે કોંક્રીટનાં કિનારા વચ્ચેનું પાણી સ્થિર હતું

અને પેલી બે આંખો વચ્ચેનું પણ 

 

 

 

 

 

No comments:

Post a Comment