Wednesday, May 6, 2009

કેજરીવાલ, વી મીસ યુઅંકુર એને ઓમકારા કહેતો તો હું કેજરીવાલ, પ્રશાંત એને શિવાજી અને ક્યારેક ભોલેનાથ કહેતો તો રાધા આઉલ. ઓછા બોલા રાહુલને ઓફિસમાં લોકો ઘણાં નામે બોલાવતા. પ્રથમ નજરે ગંભીર પર્સનાલીટી લાગતો રાહુલ મણગાંવકર હું ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં નોકરીએ લાગ્યો ત્યારથી સાથે બેસતા અને સાથે ફુંકતા. સવારે લગભગ અમે બંને સાથે ઓફિસમાં આવતા અને રાહુલ કાળી ચા અને ખભે કાગળીયાથી લદાયેલા થેલો લઇને રૂમમાં દાખલ થતો અને મુડ પ્રમાણે કંઇ કહેતો અથવા ના પણ બોલતો. એ મને પ્રોફેસર કહીને સંબોધતો. બહુ કંટાળી જાય તો કહેતો કે, પ્રોફેસર ગીત વગાડો...મને અંગ્રેજી ગીતો સાંભળતો એણે કર્યો. પહેલી વાર એણે મને બીટલ્સ સંભળાવ્યો અને મને મઝા પડી તો મારાથી વધારે મઝા એને પડી અને ઓફિસમાં અગિયાર વાગ્યા સુધી બેસીને બીટલ્સનાં તમામ પ્રખ્યાત ગીતો એણે મને સંભળાવ્યા. મારી ડીક્સનેરી પણ રાહુલ, મોટાભાગે સ્પેલિંગ હું રાહુલને પુછીને લખતો. રાહુલ કોપી લખતો હોય ત્યારે અને ફોન પર વાત કરતો હોય ત્યારે ખૂબ ગંભીર થઇ જતો, અને ક્યારેક ગુસ્સે પણ. ચા પીવાના અને કીટલી પર જવાનાં દરેક આમંત્રણ એ સ્વીકારી લેતો, સહજતાથી. અમારી નવી બેઠક વ્યવસ્થા પ્રમાણે હું રાહુલ અને ખાનને છેલ્લો રૂમ ફાળવવામાં આવ્યો. રાહુલને આ રૂમ ખૂબ ગમતો. અમારા રૂમનો દરવાજો કોઇ ખુલ્લો રાખે તો એને બિલકુલ ના ગમતું, દરવાજો ખુલ્લો રહેવાથી આપણાં રૂમમાં ખલેલ ઉભી થાય છે એવું એ માનતો. હંમેશા ખુલ્લા રહેલા દરવાજાને એ બંધ કરી દેતો. સઇદખાનને એ જસ્ટીસ કહેતો અને માન પણ આપતો, ખબર નહિં કેમ. ગંભીર રહેતા રાહુલને પ્રશાંત છેડખાની કરતો અને એમાં સૌૈથી વધારે મઝા રાહુલને જ આવતી. માહિતી અધિકાર એના દિલથી નજીક હતો, આ કાયદાની સહેજ પણ છેડખાની એ સહન કરી શકતો નહિં, એવું કંઇ થતા જ માઇલ્ડ રાહુલ ઉકળી જતો. નોનવેજ અને સરકારી અધિકારીઓ પણ રાહુલના રસનો વિષય, સામાન્ય રીતે અધિકારીને એ પોપટ કહીને સંબોધતો અને ખાન પાસે ફેમસનાં ચીકન પફ મંગાવતો, ફોન કરીને. રાત્રે મોડે સુધી રૂમમાં અમે બેસતા અને ગામ આખાની વાતો કરતા અને ગીતો સાંભળતા. દિવસમાં સૌથી વધારે સમય અમારો સાથે જતો. અત્યારે રાત થઇ ગઇ છે, હું રૂમમાં બેસીને લખી રહ્યો છું...રૂમનો દરવાજો ખુલ્લો છે અને રાહુલની ખુરશી ખાલી...

Sunday, May 3, 2009

૨૦ દિવસ, ૪૦૦૦ કિલોમીટર


પોરબંદરથી જૂનાગઢ જવાનો રસ્તો એકદમ જોરદાર છે. દરિયાકિનારાની સાથે જતો રસ્તો, દીવાદાંડીઓ અને છકડાઓની વચ્ચે એક ગામ આવ્યું, મોચા. આમ તો ગામનું નામ અત્યંત આધુનિક કોફી મોચા સાથે મળતું હોવાથી હું આ ગામે ચા પીવા રોકાયો. ત્યાં જ રસ્તા પર એક આશ્રમ છે જેને લોકો મોચા હનુમાનથી ઓળખે છે. વધારે પુછપરછ કરતા ખબર પડી કે આ આશ્રમ કોઇ માતાજીએ બનાવ્યો છે, જે છેલ્લા છત્રીસ વર્ષથી અહિં જ રહે છે. માતાજી વિષે વધારે પુછપરછ કરી તો માહિતી મળી કે માતાજી એક ફ્રેંચ મહિલા છે. મને એકદમ મગજમાં બત્તી થઇ કે આ માતાજીનો ઉલ્લેખ ધ્રુવ ભટ્ટે તેમની નવલકથા સામુદ્રાંધિતિકેમાં કર્યો છે. મેં એમને મળવા માટેની એપોઇમેન્ટ લીધી. આશ્રમ એકદમ સુંદર અને હરિયાળો. ત્યાં વડનાં ઝાડની નીચે એક ઓટલા પર હું માતાજીની રાહ જોતો બેઠો હતો. ત્યાં અચાનક માતાજી આવી પહોચ્યાં. પંચાવન વર્ષનાં માતાજી માથામાં જટા રાખે છે અને આપણને શરમાવે તેવું સરસ ગુજરાતી બોલે છે. મેં વાત ચાલુ કરી. પરંતુ ભૂતકાળ વિષે પુછતાજ આ સાધ્વીને ખરાબ લાગ્યું. એમણે મને કહ્યું કે, મને વર્તમાનમાં હું જે છું તે વિષે જ પુછો. તમારે પણ પેલા લેખક ધ્રુવ ભટ્ટની જેમ મારો ભૂતકાળ જાણીને શું કરવું છે. માતાજીનાં ભક્તોએ મને ઇશારાથી ટોક્યો, મેર લોકોની વસ્તી ધરાવતા મોચા ગામમાં લોકો માતાજીને પગે પડે છે. માતાજી દવા અને શિક્ષણનાં ક્ષેત્રે પણ ગામમાં કામ કરે છે. કાર્લ માર્કસથી લઇને વોલ્ટ ડીઝની સુધી ફ્રેંચ મૂળના માતાજી સાથે વાત તો ઘણી કરી પણ એમનું કહેવું એવું હતું કે, આપણે આપણાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂળિયા ભૂલી ગયા છે. જે દુઃખની વાત છે...

જામનગરથી દ્રોલ તરફ જતા આગળ એક ચોકડી પર એક આનંદ થાય તેવું આશ્ચર્ય જોયું, ડઝનથી વધારે ભવાઇ કલાકારોને મેં વેષ કરતા જોયો, કાર ત્યાંજ અટકાવી દીધી. મૂળે પોરબંદરનાં આ ભવાઇ કલાકારો હજુ પણ ગામોમાં જઇને વેષ કરીને પોતાનંુ ગુજરાન ચલાવે છે. અહિંયા લગભગ ત્રણસો ચારસો માણસો આમનો વેષ જોવા ભેગા થયા હતા અને એકદમ શિસ્તબધ્ધ રીતે એમની અદાકારી જોતા હતા. સમયની સાથે સાથે ભવાઇના કલાકારો પણ વેષમાં બોલીવુડનું તત્ત્વ ઉમેરતા ગયા છે. અચાનક ફિલ્મી ડાન્સ પણ વેષની વચ્ચે આવી જાય. પરંતુ લગભગ ત્રણ કલાક સુધી તેમણે લોકોનું મનોરંજન કર્યું અને લોકોએ પણ તેમને નિરાશ ન કર્યા, પૈસા આપીને. અમદાવાદમાં એનએસડીનાં તજજ્ઞોથી લઇને ભવાઇનાં નિષ્ણાતો પાસે ઘણું સાભળ્યું હતું. પતનનાં આરે પહોંચેલા આપણાં આ પરંપરાગત થિયેટરને મેં એકદમ જીવંત મુદ્રામાં જોયું, લોકોની વચ્ચો વચ. ભચાઉ ગામ. ધરતીકંપે જેની હસ્તિ સાવ મીટાવી દીધી હતી. આજે આ ગામ એકદમ ટટ્ટાર ઉભું છે. નવા મકાનો, રસ્તાઓ અને જોસ્સો લઇને. ભચાઉમાં વિસનગર નાટ્ય કંપનીએ પોતાનો ડેરો નાંખ્યો હતો. નાટક હતું ‘બૈરીથી તોબા તોબા’. ભવાઇથી વિપરીત અહિંયા ટીકીટ શો હતો. નાટ્ય કંપનીએ ઓપન એર થિયેટરની રચના કરી હતી. જેમાં બેઠકો, સ્ટેજ અને સેટ્સ એમ બધુ તામઝામ શામેલ. દેશી નાટક કંપની વાળા કહે છે કે, ‘હજુ પણ લોકો અમારા નાટકો જુએ છે. મુંબઇનાં મોંઘા નાટકોથી સહેજ પણ ઉતરતા નથી હોતા અમારા નાટકો.’

ડીસાની આસપાસનાં ગામોનાં ખેડૂતો છેલ્લા થોડા વર્ષોમાં બટાકાની ખેતી કરીને લાખો રૂપિયા કમાયા છે. મલ્ટિનેશનલને બટાકા વેચીને આ ગ્રામવાસીઓનું જીવનધોરણમાં જોરદાર પરિવર્તન આવ્યું છે. આવા જ એક ગામમાં હું ખેડૂતો સાથે બેઠો બેઠો રાજકારણની ચર્ચા કરતો હતો. અચાનક એક ખેડૂત બોલ્યા કે, ‘આ બધી વાત જવા દો, અને પહેલા અમલ લો.’ અમલ મને ખબર ના પડી પણ એમનાં હાથમાં મેં અફીણ જોયું જેનો વિવેક તેઓ મને કરતા હતા. અને એક સારા મહેમાનની જેમ મેં એમનો વિવેક માન્યો અને એમની સલાહનો અમલ કર્યો. અફીણ ખાધા બાદ ફરીથી ચર્ચા શરૂ થઇ અને ચર્ચાનો વિષય બન્યા નરેન્દ્ર મોદી.... થરાદની પાસે વાડીયા કરીને સેક્સ વર્કરોનું આખુ ગામ વસે છે. આ ગામ વિષે છેલ્લા ઘણાં વર્ષોથી છાપામાં વાંચતો. આ વખતે ત્યાં જવાનંુ નકકી કરી નાંખ્યું. સામાન્ય રીતે લોકોની એવી ધારણાં છે કે આ કોઇ રસ્તા પર આવેલું ગામ હશે જ્યાં સહેલાઇથી ગ્રાહકો આવતા જતા હશે. પરંતુ વાડીયા સુધી પહોંચવું ખરેખર મહેનતનું કામ છે. પહેલા થોડો કાચો રસ્તો અને પછી એકદમ રેતાળ એક નાનકડુ નેળીયું. ડ્રાઇવીંગ કરવું મુશ્કેલ થઇ જાય એવું. ગાડી માત્ર પહેલા કે બીજા ગીયરમાં જ ચાલે. લોકો વાડીયાનો રસ્તો ના બતાવે એ નફામાં અને ભળતી સળતી કોમેન્ટ પણ કરે. છેવટે આ ગામ લગી હું પહોંચ્યો. ત્યાં લોકો સાથે વાત કરી. ચૂંટણી વિષે એમને કંઇ ખબર ન હતી. હું પાછો ફર્યો. આખા રસ્તામાં મને વિચાર આવ્યો કે અહિં કોઇ આવતું કઇ રીતનાં હશે. અહિંં પહોંચવું દુષ્કર છે. વાડીયા ગામ માત્ર સામાજિક રીતે નહિં પણ બધી રીતે મુખ્યપ્રવાહથી છુટુ છે. વળી હું બે કલાક જેટલો સમય ત્યાં હતો એ દરમિયાન પણ ત્યાં કોઇ ગ્રાહક દેખાયો ન હતો. મારા મનમાં હજુ પણ આખી વાત બંધબેસતી નથી...આ વાડિયા ગામ અને પેલા કરોડ રૂપિયાનાં બટાકા ઉગાડતા ગામો વચ્ચે ખાલી પચાસ કિલોમીટરનું અંતર છે.

સુરતનો ચોક બઝાર, જ્યાં સુરતીઓ ત્રણસો વર્ષ પહેલા મોચા કોફી પીતા હતાં. આ ચોક આજે પણ રાત પડેને વિવિધ પ્રકાર અને રસના લોકોની બેઠકોથી ઉભરાઇ જાય છે. આવી એક બેઠકમાં મારે જવાનું થયું. ત્યાં ભેગા થનાર લોકો દુનિયાનાં કોઇ પણ વિષય પર ચર્ચા કરી શકે તેવા સક્ષમ અને પોતાનો મત સાચો ઠેરવવા શરતો પણ મારી શકે તેવા મક્કમ. આ બેઠકમાં લગભગ બધા ધર્મનાં લોકો આવે છે. અને એકબીજાનાં ધર્મ પર ખૂબ આરામથી અને તટસ્થતાથી વાત પણ કરી શકે છે. એકદમ સેક્યુલર બેઠક, ઇન ઓલ સેન્સ. આ બધાનો એક ખાસ શોખ, મુશાયરાનું આયોજન કરવાનું. છેલ્લે આમણે માત્ર મહિલા શાયરોનાં મુશાયરાનું આયોજન કર્યું હતું...એમનું કહેવું હતું કે, મુશાયરેમેં ભી કોઇ નવીનતા ચાહીએના ભાઇ..

બારડોલીની પાસે આવેલા કસવાવ ગામનાં સતી પતી આદિવાસીઓ પોતાને જ ધરતીના માલિક ગણે છે. ૯૦ વર્ષનાં ભાઉદાદા અંર્તયાળ વિસ્તારમાં આવેલા પોતાનાં નાનકડા ઘરમાં બેસીને પોતાને જ ભારત સરકાર ગણાવે છે. તેમનું કહેવું છે કે, આદિવાસી જ દેશનો સાચો માલિક છે અને બાકીનાં બધાએ હવે દેશ છોડવાનો સમય આવી ગયો છે. અમારે કોઇની સાથે ઝધડો નથી કરવો પણ દેશ છોડી દો તો સારું. ભાઉદાદા પર રાજદ્રોહનાં કેસ થતા રહે છે. સીબીઆઇ અને ક્રાઇમ બ્રાંચ એમની તપાસ રાખે છે. પણ ભાઉદાદા હજુુ પણ કોઇ દસ્તાવેજ પર ભારત સરકારનોે સિક્કો પોતેજ મારતા ગભરાતા નથી....

નવસારીથી ગણદેવી જતા રસ્તામાં એક ટેકરા પર પાથરી કરીને નાનકડુુ રમણિય ગામ છે. આમ તો આ ગામ કંઇ પણ માટે જાણીતુ નથી, છતાં રાતનાં અગિયાર વાગ્યે એટલી બધી ભીડ હતી કે ઉત્સુકતાથી હું મારી કાર હંકારી ગયા ગામ તરફ. પાથરી ગામમાં પહોચ્યો તો કોઇ ઉત્સવ જેવું લાગ્યું. આખુ ગામ ભેગુ થયું હતું યુવક મંડળ દ્રારા સંચાલિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા. આજુબાજુના ગામનાં લોકો પણ ભેગા થયા હતા. નાનકડા ગામનું ગ્રાઉન્ડ ખચાખચ ભરાઇ ગયું હતું. લગભગ પાંચ હજાર માણસો આ રસાકસીનો ખેલ જોવા ભેગા થયા હતા. ફાઇનલમાં આવેલી બંને ટીમનાં ખેલાડીઓને પ્રેક્ષકો ઓળખતા હતા. લાઇવ કોમેન્ટ્રી અને ડીજે પણ પ્રેક્ષકોના મનોરંજન માટે હતા. આટલુ ઓછું હોય તેમ આયોજકો આતશબાજી પણ કરતા હતા. લોકો મેચમાં એકદમ તલ્લીન હતા, શરતો લગાવતા હતા. કેટલાક રસિકો ગ્રાઉન્ડની ફરતે આવેલી નારીયેળી નીચે મદિરા પાન પણ જલસાથી કરતા હતા. એક સમયે મને એવું લાગ્યું કે હું વેસ્ટ ઇન્ડિઝમાં કોઇ જગ્યાએ મેચ જોઇ રહ્યો છું. મહિલાઓ અને બાળકો પણ વિપુલ પ્રમાણમાં મેચ જોવા ભેગા થયા હતા. આજ દિવસે અને સમસે આઇપીએલની કોઇ મેચનું જીવંત પ્રસારણ પણ ટેલિવિઝન પર ચાલતું હતું. પણ આ ગામમાં કોઇને એ મેચ જોવાની ફુરસદ નહતી. કોમેન્ટ્રેટર દર દસ મિનિટે બોલતો હતો કે આપણાં ગ્રાઉન્ડ પર સાઉથ આફ્રિકાની આઇપીએલ મેચ કરતા વધારે પ્રેક્ષકો હાજર છે ! ખેલાડી સિક્સર મારે પછી રાત્રે દડો શોધવા નિમાયેલી ખાસ ટુકડીઓ અને મુંબઇથી પૈસા આપીને બોલાવાયેલા સિક્સ મારે તેવી ગેરંટીવાળા ‘બમ્બઇયા’ ક્રિકેટરોએની દુનિયા જ અલગ હતી. ફ્લડ લાઇટમાં રમાતી મેચથી ખરેખર ગામ આખુ ઝગારા મારતુ હતંુ...

શેરબજારનો કડાકો, આઇપીએલની મેચો, એનઆરઆઇ, ગુજરાતી કુટુંબ પર આધારિત હિન્દી સીરીયલો અને રીયાલીટી શો સિવાયની વાત કરતા લોકોને મળ્યો. આ લોકો અપવાદ નથી. રાજ્ય ભરમાં ફેલાયેલા છે. શહેરમાં રહેતા મધ્યમવર્ગથી બનેલા સ્ટીરીયોટાઇપ ‘ગુજરાતી’ વિષેનાં ખ્યાલો કેટલા ખોટા છે તેની મને જાણ હતી પરંતુ અનુભવ પહેલી વાર કર્યો.