Thursday, December 10, 2009

સાત બાય સાત ફૂટનું પિંજર..ફોકલેન્ડ રોડ લેન નંબર ૮


વિશ્વ પ્રસિદ્ધ સ્થપિત લા કર્બુઝિયર અમદાવાદમાં પાંચ મકાનો બનાવવા આવ્યા હતા. તેઓ શહેર જોવો ગયા અને માણેકચોકમાં ઝવેરીઓની સાત બાય સાત ફૂટની દુકાનો જોઈને આ સ્થપિત ચોંકી ગયા. એમણે કહયું કે, આટલી નાની જગ્યામાં ધંધો કેવી રેતી થાય ? તેઓ પોતે આ નાનકડી દુકાનનું માપ લેવા સુઈ ગયા, આશ્યર્યચિકત થઈ ગયા. આટલી નાની જગ્યામાં ધંધો કેવી રીતે થઈ શકે. સાત બાય સાત ફૂટની નાનકડી જગ્યા !
સાત બાય સાત ફૂટની જ જગ્યા. કાંકરિયામાં વાંદરા રાખવાનાં પીંજરાથી નાની જગ્યા. ધંધો સદીઓ જૂનો. શરીર વેચવાનો ધંધો. સ્થળ મુંબઈ. ફોકલેન્ડ રોડ. બદનામ જગ્યા. ઈન શોર્ટ રેડ લાઈટ એરિયા. સતત નોકરી બાદ છ વર્ષ પછી મુંબઈ જવાનું થયું. હેપ કલબો, માધી હોટલો, પબ કલ્ચર, કલા, નાટકો અને તમામ પ્રકારના દંભ આદર્યા પછી મારા શેતાની દિમાગમાં એક અનુભવ લેવાની સનક ઉપડી. મને અચાનક રેડ લાઈટ એરિયામાં સેકસ વકર્રોની વચ્ચે રહેવાની સનક જાગી. મારે જોવી હતી એ જીંદગીઓ કેવી રીતે જીવાય છે. મારે કવિતા નહોતી લખવી કે નહતી ખાવી દયા રૂપજીવી બહેનો પર. પણ છતા જોવી હતી એ જીંદગીઓની નજીકથી. એમની વચ્ચો વચ રહીને. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી ચાલીને જઈ શકાય એટલા અંતરે છે આ બજાર. ઉંચા મકાનો, ઝાક ઝમાળની વચ્ચે અચાનક આરંભ થાય છે આ રેડ લાઈટ એરિયાનો. સાંજના છ વાગ્યા હતા. બજાર હજુ વાધા સજતુ હતુ. આખા બજારમાં આંટો માર્યો બે ચાર વખત. એકદમ ટ્રફિકથી ધમધમતો રસ્તો. રસ્તાની બંને બાજુએ નાના નાના ઓરડાઓ, અને ઓરડાની બહાર શણગાર સજીને ઊભી રહેલી સેકસ વર્કરો. રસ્તા પરથી સાંજના સમયે અગિણત સામાન્ય નાગિરકોનું પસાર થવું. કોઈ બાળકનું દફતર સાથે પસાર થવું કે કોઈ બહેનોનું શાકભાજીની થેલી સાથે. બધુ એકદમ નોર્મલ. સેકસ વર્કરની પારખુ નજર સિવાય. ગ્રાહક કોણ છે તેની પાક્કી ખબર કઈ રીતે તેમને પડતી હશે તે કોયડો છે.
મ સોદો નક્કી કર્યો. એક નાનકડા પીંજરાની માલિક એવી માસી સાથે.એક રાત્રી રોકાણનો ધંધા માં અડચણ ઉભી નહિ કરવાના મૌખિક કરાર સાથે. બે હજારનમાં. મારી પાસે સામાનમાં કંઈ ખાસ હતુ નહી. નાનકડી જગ્યામાં મેં અને મારા સામાને ખાસ્સી જગ્યા રોકી લીધી. મે સત્સંગ ચાલુ કર્યો સેકસ વર્કરો સાથો. માસીનાં કોઠામાં પાંચ છોકરીઓ હતી. પાંચે પાંચની ઉંમર વીસ વર્ષની આસ પાસ ની હતી. આખા બજારની મોટાભાગની છોકરીઓનાં વતન નેપાળ, બંગાળ અથવા તો ગરીબ આદિવાસી વિસ્તાર હતો. બજારમાં સામેલ તમામ છોકરીઓનો વિસ્તાર, રંગ કે ધર્મ અલગ અલગ હતા પરંતુ દરેકની મુશ્કેલી એક જ હતી. ગરીબી. સાંજના આઠ વાગ્યા. મને પીંજરામાં પાળવાના નિયમો કહી દેવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારનાં સોદામાં વચ્ચે ના પડવું, ગ્રાહકો સાથે ચર્ચા ના કરવી, સેકસ વર્કરોની કામનાં સમયે વાતોમાં ના રાખવી વગેરે વગેરે...એક આંટો મારવા હું બહાર નીકળ્યો. ફોકલેન્ડ રોડ પર ત્રણેક થિયેટરો જોયા. એકદમ જૂના પ્રકારનાં. ત્રણમાંથી બે થિયેટરોમાં તો સની દેઓલનાં ફિલ્મો ચાલતા હતા. હવે ટ્રાફિક થોડો ઓછો થયો હતો. બજારમાં ગ્રાહકોનો આવવાનો સમય થઈ ગયો હતો. એવમાં અચાનક મને એક રેસ્ટોરન્ટમાંથી 'અમર અકબર એન્થોની'ની કવ્વાલી સંભળાઈ 'શીરડી વાલે સાંઈ બાબા...'મારા પગ એ રેસ્ટોરન્ટ તરફ દોરાયા. બહાર ઊભેલા દલાલે કહ્યું કે, સાહબ ૧૮૦ મેં બીયર મીલેગા, સ્પેશિયલ લડકીયોકાં બાર હૈ....હું અંદર ગયો. ત્યાં એકદમ ભકિતમય વાતાવરણ હતું. બધા આ કવ્વાલીને પ્રાર્થનાની જેમ ભજતા હતા. તેઓ રોજ ધંધો શરુ કરતા પહેલા રોજ આ ફિલ્મ ના ગીત ને ભજતા હતા. દંગ રહી ગયો હું. રેડ લાઈટ એરિયા, સાંઈ બાબાનુ ફિલ્મી ગીત, દલાલ, સેકસ વર્કર અને સુરા.... પાછો ફર્યો મારી જગ્યાએ. ગ્રાહકોની તકરાર ચાલી રહી હતી. પૈસાની રકઝક. એક જાય બીજો આવે. દરિમયામાં મારા ભાગે વાતો કરવાની આવે. મારે કોઈની ટ્રેજીક સ્ટોરી નહતી જાણવી. મારે ખોટી દયાનો દંભ નહતો કરવો. મારે એક માણસ તરીકે વાત કરવી હતી એક માણસ સાથે. મને એક સેકસ વર્કરે કહ્યું કે, ચુત્યા હૈ કયા, કુછ કરના નહિ હૈ તો યહાં આયા કયું હૈ. મ એમને કહ્યું કે કંઈ એવોજ છું. થોડી વાર પછી એ મારી ખાસ મિત્ર બની ગઈ. પોતાના સપનાં વિષે વાતો કરવા માંડી. એ નાનકડી છોકરીએ પોતાનાં થનાર બાળકોનાં નામો પણ વિચારી રાખ્યા હતા. મને એણે કહ્યું કે, મુજે પતા હૈ હમસે શાદી તો કોઈ નહિ કરેગા, લેકની બચ્ચે તો હમ પેદા કરેગાના...આ સાંભળીને નિત્શેની ફિલોસોફી કે મારા ઈતિહાસનું જ્ઞાન કે ફ્રોઈડનું મનોવિજ્ઞાન બધુ ભુલી ગયો. રાતનાં એક વાગી ગયો હતો. ટ્રાફિક એકદમ બંધ. માત્ર ગ્રાહકો અને સેકસ વર્કરો સિવાય બીજુ કોઈ ન હતું એ વિસ્તારમાં. ત્યાં રસ્તા પર રાત્રે એક જગ્યાએ મોટી વિકટોરીયો ધોડાગાડીનું પાર્કીંગ છે. દરેક ધોડાગાડીની આગળ એક સેકસ વર્કર ઊભી રહે. નીયોન લાઈટમાં કોઈ ફોટોગ્રાફર માટે આ દ્શ્ય કેમેરામાં કંડારવા લાયક બને. આ બજારમાં રાત્રે ફુગ્ગાવાળાઓ પણ ઘણાં ફરતા હોય છે. ખબર નહિ કેમ. ફોકલેન્ડ રોડ લેન નંબર ૮ પછી ચાલુ થતા આ બજારમાં એક વિરોધાભાસ જોયો. સેકસવર્કરો પછી બીજા નંબરનો ધંધો અહિંયા દરજીઓનો છે. એક તરફ કપડા કાઠવાનો ધંધો બીજી બાજુ કપડા સીવવાનો ધંધો. આ રસ્તા પરની સેકસ વર્કરની કેફિયત ખાલી આ દરજીઓ જ સમજી શકતા હશે. અજીબ દુનિયા છે અને જીંદગી પણ. આ ઊપરાંત ગુપ્ત રોગનાં નકલી ડોકટરોનો કાફકો પણ અહિંયો સારો એવો છે. આખા બજારમાં ખાસ્સા એવા અફધાની દાંતના નિષ્ણાત ડોકટરનાં પાટીયા પણ ધણાં જોવા મળ્યા. હવે અફધાન અને દાંતને શું લેવા દેવા...
રાતનાં બે વાગી ગયા હતાં. ગ્રાહકો લગભગ આવવાનાં ઓછા થઈ ગયા હતા. મ એક ઓલ્ડ મોન્કની બોટલ મંગાવી. પેલી પાંચ સેકસ વર્કરો અને માસી એમ અમે સાત જણાંએ બે-બે પેગ માર્યા. લવારી કરી. મોટાભાગનાં કિસ્સામાં મજાકનું સાધન હું જ હતો...એવામાં એક દેવદાસ ટાઈપ પૈસાદાર દેખાતો ગ્રાહક આવ્યો. ખૂબ પીધેલો હતો. એક સેકસ વર્કરે એને બાહુપાશમાં લઈ લીધો. નાનકડી મહેફીલ પડી ભાંગી. હું રસ્તા પર આવી ગયો. થોડીવાર પછી પેલા દેવદાસને બે છોકરીઓ બહાર મુકી ગઈ એની કાર સુધી. જતા જતા મેં જોયું કે એના પાકીટમાં ત્રણ હજાર જેટલા રૂપિયા હતા એ માસીએ લઈ લીધા. સિફતતાપૂર્વક. એ દેવદાસ જતો રહ્યો. બીજી ઓલ્ડ મોન્કની બોટલ માસીએ મંગાવી...મહેફિલ ફરી જામી. હવે સવાર પડવામાં આવી હતી. મારે સવારની ટ્રેન પકડીને મારા ગામ જવાનું હતું. ચા પીવાનો સમય કયારે થઈ ગયો એ પીતા પીતા ખબર જ ના પડી. સાત બાય સાતની ઓરડીમાંથી હું નીકળ્યો. માસી અને એમની છોકરીઓએ મને વિદાય આપી. 'ફરી મુંબઈ આવો ત્યારે અહિંયા જ રહેજો...' કોઈક એક જાણ બોલ્યું. હું પાછુ વાળીને જોઈ ના શક્યો...ખબર નહિ કેમ, કદાચ હું રડતો હતો....

footnotes

http://timesofindia.indiatimes.com/india/Legalize-prostitution-if-you-cant-curb-it-SC-to-govt/articleshow/5322127.cms


http://www.maryellenmark.com/frames/falkland.html

Monday, September 21, 2009

માફ કરજો...થોડો વધુ લવારોPREM KAHANI NO # 1


'Single'...few months after....'In Relationship'...few days after...'it's complicated'.....few hours after.....'Single'.....few minuts after... status msg update... 'Tum kya jano ...pyar kya hota hai...' Devdas and five others Likes it.....PREM KAHANI NO # 2 ब्रेक-अप के बाद वो रोज उसकी यादो मैं खोया रहता है, ढूँढता है उसको, फेसबुक मैं कोई पन्ना नहीं है उसके नाम का, ऑरकुट मैं कोई और है ऐसे ही नाम वाली, अरे वो तो छोडो पुरे गूगल मैं भी उसकी कोई खबर नहीं, फ़ोन नंबर तो कबका बदल दिया है उ...सने, क्या करे सारे रास्ते बंद है एक दुसरे के बारे मैं जानने के...सुना है की वो दोनों एक ही शहर मैं रहते है...एक ही इलाके में...शायद पडोशी है वो दोनों...


PREM KAHANI NO # 3 अब वो फेसबुक या जी मेल चेट पे नहीं लेकिन शादी.कोम पर लोग-इन होता है....PREM KAHANI NO # 4 वो भीगती तो आधा शहर गिला होता था, उसका रूमाल गिरता तो पूरा बाज़ार झुकता था, वो बला की खूबसूरत थी, जिंदगी भर अकेली रही, किसीको भाव नहीं दिया, नजाने कितनो के दिल तोडे और कितने देवदास हुए उसके प्यार मैं, अब वो बहोत बूढी हो चुकी है, खू...बसूरती अब केवल अतीत है, कितने सालो के बाद उसको लोगो ने खुश देखा, उसने घर पे उस दिन हलवा पूरी बनाया, शायद वोही दिन दिल्ही हाई कोर्ट का फेंसला आया था...३७७ वाला ही तो...PREM KAHANI NO # 5 એ નિવૃત્ત થઇ ગયો હતો, છોકરા પણ સેટ થઇ ગયા હતા. એક દિવસ એને ખબર મળ્યા કે નીતાની હાલત ખુબ ખરાબ છે, તેના સંતાનો તેને UK થી તગેડી કાઢી મુંબઈના કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે, મરી જાય ત્યાં સુધીના પૈસા ભરીને. એ આખી રાત એને ઊંઘ ના આવી..., સવારે ઉઠીને પત્નીને બધી વાત કરી, ખુલ્લા મને,ચાલીસ વર્ષ પહેલાની વીતી ગયેલી વાત ...હવે ત્રણે જણા સાથે રહે છે, એક બીજા ની સંભાળ રાખતા, અને સમય મળે તો ભગવાનને પણ ભજી લે છે...

Monday, July 6, 2009

માટીની મહેક અને પ્રેમિકાની યાદોની માંને કુતરા પૈણે !
સંવેદનાઓનું બાષ્પીભવન થયું
અને તરત જ આંખમાં આંસુંઓના વાદળો બંધાઈ ગયા,
હવામાન ખાતા એ જાહેર કર્યું કે,
"વાતાવરણ ખુશનુમા છે,
જલ્દીથી નજીક ની લારી પર તમારા દાળવડા બૂક કરાવી દો "
કવિઓ અને કલાકારોએ લોકોને વરસાદ માણવાની અપીલ
રેનકોટ પહેરી છત્રી ઓઢીને કરી,
અમેરિકન્ મકાઈ શેકવા તૈયાર,
શેકાતી મકાઈ ના દાણા કરતા વધારે ઉત્કટ રીતે પ્રેમીઓ ફૂટી નીકળ્યા,
રસ્તાઓ પર,
બાષ્પીભવન ના થયું હોઈ એવી લાગણીઓના ઘોડાપુર લઈને
....
માટીની મહેક અને પ્રેમિકાની યાદોની માંને કુતરા પૈણે !
વરસાદ નહિ પડે તો મારા વાવેલા દાણાનું શું ?
ચુકાવાવના નાણાનું શું ?
હવે છાંટા નહિ પડે તો,
ખેતરમાં છાંટવાની દવા પીવી પડશે એનું શું ?
કવિના છંદ કરતા વધારે લયબદ્ધ ખેતરના ચાસ
રાહ જુવે છે તારી
મેઘદૂત નો વિરહ તો કઈ નથી આની સામે
મેહુલિયા
......
કાલુ બોલતા બાળકો અને એમનું તને
ઉની રોટલી અને કરેલાના શાકનું વચન પણ તને અસર નથી કરતુ...
કઈ નહિ બોસ
પડવું હોઈ તો પડ
નહિ તો વધુ એક દુકાળ
સંવેદનાનો

Tuesday, June 2, 2009

આંગળા વેંઠારવાનાં !
આ તો શું રોજ રોજ કીબોર્ડ પર આંગળા વેંઠારવાનાં,
મોબાઇલનાં કીપેડ પર, 
ફેસબુકનાં સ્ટેટસ મેસેજમાં, 
ગુગલ ટોકનાં ખાનામાં, 
ટહુકો પણ ટ્વીટરમાં, 
જાણે કે જીભ નહિં કીબોર્ડને વાચા ફૂટી, 
ટેરવા પર આખી કાનીયાત, 
ફોટોમાં મિત્રોને મહાલતા જુઓ, 
આનંદ અને દુઃખ, નિરાશા અને આશા, 
ગુસ્સો અને ગાંડપણ,
 સંવેદનાઓનાં પણ સીમ્બોલ, 
સાવ એવું નથી કે બધુ ખોટું છે, 
પણ થોડુ વધારે હાવી છે, 
આપણાં પર, 
કોઇ નશાની જેમ, 
વ્યસનની જેમ, 
બોસ બહુ થયું, 
રૂબરૂ મળીશું....

Wednesday, May 6, 2009

કેજરીવાલ, વી મીસ યુઅંકુર એને ઓમકારા કહેતો તો હું કેજરીવાલ, પ્રશાંત એને શિવાજી અને ક્યારેક ભોલેનાથ કહેતો તો રાધા આઉલ. ઓછા બોલા રાહુલને ઓફિસમાં લોકો ઘણાં નામે બોલાવતા. પ્રથમ નજરે ગંભીર પર્સનાલીટી લાગતો રાહુલ મણગાંવકર હું ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં નોકરીએ લાગ્યો ત્યારથી સાથે બેસતા અને સાથે ફુંકતા. સવારે લગભગ અમે બંને સાથે ઓફિસમાં આવતા અને રાહુલ કાળી ચા અને ખભે કાગળીયાથી લદાયેલા થેલો લઇને રૂમમાં દાખલ થતો અને મુડ પ્રમાણે કંઇ કહેતો અથવા ના પણ બોલતો. એ મને પ્રોફેસર કહીને સંબોધતો. બહુ કંટાળી જાય તો કહેતો કે, પ્રોફેસર ગીત વગાડો...મને અંગ્રેજી ગીતો સાંભળતો એણે કર્યો. પહેલી વાર એણે મને બીટલ્સ સંભળાવ્યો અને મને મઝા પડી તો મારાથી વધારે મઝા એને પડી અને ઓફિસમાં અગિયાર વાગ્યા સુધી બેસીને બીટલ્સનાં તમામ પ્રખ્યાત ગીતો એણે મને સંભળાવ્યા. મારી ડીક્સનેરી પણ રાહુલ, મોટાભાગે સ્પેલિંગ હું રાહુલને પુછીને લખતો. રાહુલ કોપી લખતો હોય ત્યારે અને ફોન પર વાત કરતો હોય ત્યારે ખૂબ ગંભીર થઇ જતો, અને ક્યારેક ગુસ્સે પણ. ચા પીવાના અને કીટલી પર જવાનાં દરેક આમંત્રણ એ સ્વીકારી લેતો, સહજતાથી. અમારી નવી બેઠક વ્યવસ્થા પ્રમાણે હું રાહુલ અને ખાનને છેલ્લો રૂમ ફાળવવામાં આવ્યો. રાહુલને આ રૂમ ખૂબ ગમતો. અમારા રૂમનો દરવાજો કોઇ ખુલ્લો રાખે તો એને બિલકુલ ના ગમતું, દરવાજો ખુલ્લો રહેવાથી આપણાં રૂમમાં ખલેલ ઉભી થાય છે એવું એ માનતો. હંમેશા ખુલ્લા રહેલા દરવાજાને એ બંધ કરી દેતો. સઇદખાનને એ જસ્ટીસ કહેતો અને માન પણ આપતો, ખબર નહિં કેમ. ગંભીર રહેતા રાહુલને પ્રશાંત છેડખાની કરતો અને એમાં સૌૈથી વધારે મઝા રાહુલને જ આવતી. માહિતી અધિકાર એના દિલથી નજીક હતો, આ કાયદાની સહેજ પણ છેડખાની એ સહન કરી શકતો નહિં, એવું કંઇ થતા જ માઇલ્ડ રાહુલ ઉકળી જતો. નોનવેજ અને સરકારી અધિકારીઓ પણ રાહુલના રસનો વિષય, સામાન્ય રીતે અધિકારીને એ પોપટ કહીને સંબોધતો અને ખાન પાસે ફેમસનાં ચીકન પફ મંગાવતો, ફોન કરીને. રાત્રે મોડે સુધી રૂમમાં અમે બેસતા અને ગામ આખાની વાતો કરતા અને ગીતો સાંભળતા. દિવસમાં સૌથી વધારે સમય અમારો સાથે જતો. અત્યારે રાત થઇ ગઇ છે, હું રૂમમાં બેસીને લખી રહ્યો છું...રૂમનો દરવાજો ખુલ્લો છે અને રાહુલની ખુરશી ખાલી...

Sunday, May 3, 2009

૨૦ દિવસ, ૪૦૦૦ કિલોમીટર


પોરબંદરથી જૂનાગઢ જવાનો રસ્તો એકદમ જોરદાર છે. દરિયાકિનારાની સાથે જતો રસ્તો, દીવાદાંડીઓ અને છકડાઓની વચ્ચે એક ગામ આવ્યું, મોચા. આમ તો ગામનું નામ અત્યંત આધુનિક કોફી મોચા સાથે મળતું હોવાથી હું આ ગામે ચા પીવા રોકાયો. ત્યાં જ રસ્તા પર એક આશ્રમ છે જેને લોકો મોચા હનુમાનથી ઓળખે છે. વધારે પુછપરછ કરતા ખબર પડી કે આ આશ્રમ કોઇ માતાજીએ બનાવ્યો છે, જે છેલ્લા છત્રીસ વર્ષથી અહિં જ રહે છે. માતાજી વિષે વધારે પુછપરછ કરી તો માહિતી મળી કે માતાજી એક ફ્રેંચ મહિલા છે. મને એકદમ મગજમાં બત્તી થઇ કે આ માતાજીનો ઉલ્લેખ ધ્રુવ ભટ્ટે તેમની નવલકથા સામુદ્રાંધિતિકેમાં કર્યો છે. મેં એમને મળવા માટેની એપોઇમેન્ટ લીધી. આશ્રમ એકદમ સુંદર અને હરિયાળો. ત્યાં વડનાં ઝાડની નીચે એક ઓટલા પર હું માતાજીની રાહ જોતો બેઠો હતો. ત્યાં અચાનક માતાજી આવી પહોચ્યાં. પંચાવન વર્ષનાં માતાજી માથામાં જટા રાખે છે અને આપણને શરમાવે તેવું સરસ ગુજરાતી બોલે છે. મેં વાત ચાલુ કરી. પરંતુ ભૂતકાળ વિષે પુછતાજ આ સાધ્વીને ખરાબ લાગ્યું. એમણે મને કહ્યું કે, મને વર્તમાનમાં હું જે છું તે વિષે જ પુછો. તમારે પણ પેલા લેખક ધ્રુવ ભટ્ટની જેમ મારો ભૂતકાળ જાણીને શું કરવું છે. માતાજીનાં ભક્તોએ મને ઇશારાથી ટોક્યો, મેર લોકોની વસ્તી ધરાવતા મોચા ગામમાં લોકો માતાજીને પગે પડે છે. માતાજી દવા અને શિક્ષણનાં ક્ષેત્રે પણ ગામમાં કામ કરે છે. કાર્લ માર્કસથી લઇને વોલ્ટ ડીઝની સુધી ફ્રેંચ મૂળના માતાજી સાથે વાત તો ઘણી કરી પણ એમનું કહેવું એવું હતું કે, આપણે આપણાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂળિયા ભૂલી ગયા છે. જે દુઃખની વાત છે...

જામનગરથી દ્રોલ તરફ જતા આગળ એક ચોકડી પર એક આનંદ થાય તેવું આશ્ચર્ય જોયું, ડઝનથી વધારે ભવાઇ કલાકારોને મેં વેષ કરતા જોયો, કાર ત્યાંજ અટકાવી દીધી. મૂળે પોરબંદરનાં આ ભવાઇ કલાકારો હજુ પણ ગામોમાં જઇને વેષ કરીને પોતાનંુ ગુજરાન ચલાવે છે. અહિંયા લગભગ ત્રણસો ચારસો માણસો આમનો વેષ જોવા ભેગા થયા હતા અને એકદમ શિસ્તબધ્ધ રીતે એમની અદાકારી જોતા હતા. સમયની સાથે સાથે ભવાઇના કલાકારો પણ વેષમાં બોલીવુડનું તત્ત્વ ઉમેરતા ગયા છે. અચાનક ફિલ્મી ડાન્સ પણ વેષની વચ્ચે આવી જાય. પરંતુ લગભગ ત્રણ કલાક સુધી તેમણે લોકોનું મનોરંજન કર્યું અને લોકોએ પણ તેમને નિરાશ ન કર્યા, પૈસા આપીને. અમદાવાદમાં એનએસડીનાં તજજ્ઞોથી લઇને ભવાઇનાં નિષ્ણાતો પાસે ઘણું સાભળ્યું હતું. પતનનાં આરે પહોંચેલા આપણાં આ પરંપરાગત થિયેટરને મેં એકદમ જીવંત મુદ્રામાં જોયું, લોકોની વચ્ચો વચ. ભચાઉ ગામ. ધરતીકંપે જેની હસ્તિ સાવ મીટાવી દીધી હતી. આજે આ ગામ એકદમ ટટ્ટાર ઉભું છે. નવા મકાનો, રસ્તાઓ અને જોસ્સો લઇને. ભચાઉમાં વિસનગર નાટ્ય કંપનીએ પોતાનો ડેરો નાંખ્યો હતો. નાટક હતું ‘બૈરીથી તોબા તોબા’. ભવાઇથી વિપરીત અહિંયા ટીકીટ શો હતો. નાટ્ય કંપનીએ ઓપન એર થિયેટરની રચના કરી હતી. જેમાં બેઠકો, સ્ટેજ અને સેટ્સ એમ બધુ તામઝામ શામેલ. દેશી નાટક કંપની વાળા કહે છે કે, ‘હજુ પણ લોકો અમારા નાટકો જુએ છે. મુંબઇનાં મોંઘા નાટકોથી સહેજ પણ ઉતરતા નથી હોતા અમારા નાટકો.’

ડીસાની આસપાસનાં ગામોનાં ખેડૂતો છેલ્લા થોડા વર્ષોમાં બટાકાની ખેતી કરીને લાખો રૂપિયા કમાયા છે. મલ્ટિનેશનલને બટાકા વેચીને આ ગ્રામવાસીઓનું જીવનધોરણમાં જોરદાર પરિવર્તન આવ્યું છે. આવા જ એક ગામમાં હું ખેડૂતો સાથે બેઠો બેઠો રાજકારણની ચર્ચા કરતો હતો. અચાનક એક ખેડૂત બોલ્યા કે, ‘આ બધી વાત જવા દો, અને પહેલા અમલ લો.’ અમલ મને ખબર ના પડી પણ એમનાં હાથમાં મેં અફીણ જોયું જેનો વિવેક તેઓ મને કરતા હતા. અને એક સારા મહેમાનની જેમ મેં એમનો વિવેક માન્યો અને એમની સલાહનો અમલ કર્યો. અફીણ ખાધા બાદ ફરીથી ચર્ચા શરૂ થઇ અને ચર્ચાનો વિષય બન્યા નરેન્દ્ર મોદી.... થરાદની પાસે વાડીયા કરીને સેક્સ વર્કરોનું આખુ ગામ વસે છે. આ ગામ વિષે છેલ્લા ઘણાં વર્ષોથી છાપામાં વાંચતો. આ વખતે ત્યાં જવાનંુ નકકી કરી નાંખ્યું. સામાન્ય રીતે લોકોની એવી ધારણાં છે કે આ કોઇ રસ્તા પર આવેલું ગામ હશે જ્યાં સહેલાઇથી ગ્રાહકો આવતા જતા હશે. પરંતુ વાડીયા સુધી પહોંચવું ખરેખર મહેનતનું કામ છે. પહેલા થોડો કાચો રસ્તો અને પછી એકદમ રેતાળ એક નાનકડુ નેળીયું. ડ્રાઇવીંગ કરવું મુશ્કેલ થઇ જાય એવું. ગાડી માત્ર પહેલા કે બીજા ગીયરમાં જ ચાલે. લોકો વાડીયાનો રસ્તો ના બતાવે એ નફામાં અને ભળતી સળતી કોમેન્ટ પણ કરે. છેવટે આ ગામ લગી હું પહોંચ્યો. ત્યાં લોકો સાથે વાત કરી. ચૂંટણી વિષે એમને કંઇ ખબર ન હતી. હું પાછો ફર્યો. આખા રસ્તામાં મને વિચાર આવ્યો કે અહિં કોઇ આવતું કઇ રીતનાં હશે. અહિંં પહોંચવું દુષ્કર છે. વાડીયા ગામ માત્ર સામાજિક રીતે નહિં પણ બધી રીતે મુખ્યપ્રવાહથી છુટુ છે. વળી હું બે કલાક જેટલો સમય ત્યાં હતો એ દરમિયાન પણ ત્યાં કોઇ ગ્રાહક દેખાયો ન હતો. મારા મનમાં હજુ પણ આખી વાત બંધબેસતી નથી...આ વાડિયા ગામ અને પેલા કરોડ રૂપિયાનાં બટાકા ઉગાડતા ગામો વચ્ચે ખાલી પચાસ કિલોમીટરનું અંતર છે.

સુરતનો ચોક બઝાર, જ્યાં સુરતીઓ ત્રણસો વર્ષ પહેલા મોચા કોફી પીતા હતાં. આ ચોક આજે પણ રાત પડેને વિવિધ પ્રકાર અને રસના લોકોની બેઠકોથી ઉભરાઇ જાય છે. આવી એક બેઠકમાં મારે જવાનું થયું. ત્યાં ભેગા થનાર લોકો દુનિયાનાં કોઇ પણ વિષય પર ચર્ચા કરી શકે તેવા સક્ષમ અને પોતાનો મત સાચો ઠેરવવા શરતો પણ મારી શકે તેવા મક્કમ. આ બેઠકમાં લગભગ બધા ધર્મનાં લોકો આવે છે. અને એકબીજાનાં ધર્મ પર ખૂબ આરામથી અને તટસ્થતાથી વાત પણ કરી શકે છે. એકદમ સેક્યુલર બેઠક, ઇન ઓલ સેન્સ. આ બધાનો એક ખાસ શોખ, મુશાયરાનું આયોજન કરવાનું. છેલ્લે આમણે માત્ર મહિલા શાયરોનાં મુશાયરાનું આયોજન કર્યું હતું...એમનું કહેવું હતું કે, મુશાયરેમેં ભી કોઇ નવીનતા ચાહીએના ભાઇ..

બારડોલીની પાસે આવેલા કસવાવ ગામનાં સતી પતી આદિવાસીઓ પોતાને જ ધરતીના માલિક ગણે છે. ૯૦ વર્ષનાં ભાઉદાદા અંર્તયાળ વિસ્તારમાં આવેલા પોતાનાં નાનકડા ઘરમાં બેસીને પોતાને જ ભારત સરકાર ગણાવે છે. તેમનું કહેવું છે કે, આદિવાસી જ દેશનો સાચો માલિક છે અને બાકીનાં બધાએ હવે દેશ છોડવાનો સમય આવી ગયો છે. અમારે કોઇની સાથે ઝધડો નથી કરવો પણ દેશ છોડી દો તો સારું. ભાઉદાદા પર રાજદ્રોહનાં કેસ થતા રહે છે. સીબીઆઇ અને ક્રાઇમ બ્રાંચ એમની તપાસ રાખે છે. પણ ભાઉદાદા હજુુ પણ કોઇ દસ્તાવેજ પર ભારત સરકારનોે સિક્કો પોતેજ મારતા ગભરાતા નથી....

નવસારીથી ગણદેવી જતા રસ્તામાં એક ટેકરા પર પાથરી કરીને નાનકડુુ રમણિય ગામ છે. આમ તો આ ગામ કંઇ પણ માટે જાણીતુ નથી, છતાં રાતનાં અગિયાર વાગ્યે એટલી બધી ભીડ હતી કે ઉત્સુકતાથી હું મારી કાર હંકારી ગયા ગામ તરફ. પાથરી ગામમાં પહોચ્યો તો કોઇ ઉત્સવ જેવું લાગ્યું. આખુ ગામ ભેગુ થયું હતું યુવક મંડળ દ્રારા સંચાલિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા. આજુબાજુના ગામનાં લોકો પણ ભેગા થયા હતા. નાનકડા ગામનું ગ્રાઉન્ડ ખચાખચ ભરાઇ ગયું હતું. લગભગ પાંચ હજાર માણસો આ રસાકસીનો ખેલ જોવા ભેગા થયા હતા. ફાઇનલમાં આવેલી બંને ટીમનાં ખેલાડીઓને પ્રેક્ષકો ઓળખતા હતા. લાઇવ કોમેન્ટ્રી અને ડીજે પણ પ્રેક્ષકોના મનોરંજન માટે હતા. આટલુ ઓછું હોય તેમ આયોજકો આતશબાજી પણ કરતા હતા. લોકો મેચમાં એકદમ તલ્લીન હતા, શરતો લગાવતા હતા. કેટલાક રસિકો ગ્રાઉન્ડની ફરતે આવેલી નારીયેળી નીચે મદિરા પાન પણ જલસાથી કરતા હતા. એક સમયે મને એવું લાગ્યું કે હું વેસ્ટ ઇન્ડિઝમાં કોઇ જગ્યાએ મેચ જોઇ રહ્યો છું. મહિલાઓ અને બાળકો પણ વિપુલ પ્રમાણમાં મેચ જોવા ભેગા થયા હતા. આજ દિવસે અને સમસે આઇપીએલની કોઇ મેચનું જીવંત પ્રસારણ પણ ટેલિવિઝન પર ચાલતું હતું. પણ આ ગામમાં કોઇને એ મેચ જોવાની ફુરસદ નહતી. કોમેન્ટ્રેટર દર દસ મિનિટે બોલતો હતો કે આપણાં ગ્રાઉન્ડ પર સાઉથ આફ્રિકાની આઇપીએલ મેચ કરતા વધારે પ્રેક્ષકો હાજર છે ! ખેલાડી સિક્સર મારે પછી રાત્રે દડો શોધવા નિમાયેલી ખાસ ટુકડીઓ અને મુંબઇથી પૈસા આપીને બોલાવાયેલા સિક્સ મારે તેવી ગેરંટીવાળા ‘બમ્બઇયા’ ક્રિકેટરોએની દુનિયા જ અલગ હતી. ફ્લડ લાઇટમાં રમાતી મેચથી ખરેખર ગામ આખુ ઝગારા મારતુ હતંુ...

શેરબજારનો કડાકો, આઇપીએલની મેચો, એનઆરઆઇ, ગુજરાતી કુટુંબ પર આધારિત હિન્દી સીરીયલો અને રીયાલીટી શો સિવાયની વાત કરતા લોકોને મળ્યો. આ લોકો અપવાદ નથી. રાજ્ય ભરમાં ફેલાયેલા છે. શહેરમાં રહેતા મધ્યમવર્ગથી બનેલા સ્ટીરીયોટાઇપ ‘ગુજરાતી’ વિષેનાં ખ્યાલો કેટલા ખોટા છે તેની મને જાણ હતી પરંતુ અનુભવ પહેલી વાર કર્યો.

Thursday, February 26, 2009

અહમદશાહ બાદશાહથી લઇને ‘બ્રાંડ અમદાવાદ’ સુધીની સફર


‘વાઇબ્રન્ટ સમિટ’ અને ‘બ્રાંડ અમદાવાદ’નાં વાધા પહેરીને આપણું અમદાવાદ તેની સ્થાપનાનાં ૫૯૮ વર્ષ ૨૬ ફેબ્રુઆરીએ પુરા કર્યા. લગભગ છસદીઓથી આ શહેર સતત જીવંત રહ્યું છે. સદીઓ પહેલા અમદાવાદની ગણના દુનિયાનાં શ્રેષ્ઠ અને સંુદર શહેરોમાં થતી હતી. તેને શહેરમાંઆવેલા અનેક મુસાફરોથી માંડીને રશિયાના ઝારે પણ વખાણ્યું છે. મુસાફર બ્રીગ્સને અમદાવાજ વિશે લખ્યું કે આ ભૂમિ કવિની કલ્પના અનેચિત્રકારની પીંછીને માટે માટેની છે. આવું આપણું અમદાવાદ આજે પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગોમાં વહેંચાઇ ગયું છે. માત્ર ભૌગોલિક રીતેનહિં. પરંતુ તમામ રીતે. એક જ શહેરમાં જાણે બે શહેરો હોય તેવું લાગે છે. વાંકી ચુંકી પોળો અને ઐતિહાસિક ઇમારતોમાંથી ટાવર અનેફ્લેટની સંસ્કૃતિ એ છેલ્લા થોડા દાયકાનું જ પરિવર્તન છે. જબ કુત્ત પે સસ્સા આયાની દંતકથા અને ખુમારી ધરાવતા આ શહેરનો વિકાસ તોવખાણવા લાયક છે પરંતુ સામાન્ય માણસની ખુમારી ક્યાંક ખોવાઇ છે.અત્યારે જ્યારે રીયલ એસ્ટેટ તેના સામાન્ય માણસ માટે ડ્રીમ એસ્ટટે થઇ ગયું છે ત્યારે શહેરના લોકો ઘર અને તેની વ્યવસ્થાનો ઇતિહાસ પણ આપણે જોઇએ. શહેરનાંમકાનો અને તેની બાંધણી જોઇને એડવીન આર્નોલ્ડે કહ્યું કે, ‘લવલીએસ્ટ લીટલ બિલ્ડીંગ્સ ઇન ધ વર્લ્ડ’ તો આ મકાનો અને સ્થાપત્યની વાતકરતા જેમ્સ ડગ્લાસ વેર્સ્ટન ઇન્ડિયા પુસ્તકમાં લખે છે કે, ‘રસિક બાદશાહ શાહજહાંમાં સૌદર્યનાં બીજ તો જન્મસિદ્ધ હતા પરંતુ અમદાવાદમાંએના ઉપર જલસિંચન થયું. શાહજહાં અમદાવાદનાં સૂબા હતા. તે ઘણો વખત અહિં રહ્યાં હતા. અમદાવાદ ઉપરથી જ પ્રેરાઇને શાંહજહાંએઆગ્રા અને દિલ્હી શણગાર્યું હશે. એમ કહીએ તો નવાઇ પામવા જેવું નથી. આર્નોલ્ડનો મત શાહજહાંએ શહેરને ગર્દાબાદ કહ્યું તેનાથી ઘણોવિપરીત રીતે અહિં મૂલવવામાં આવ્યો છે.તો આવું સુંદર અને સ્થાપત્યમાં શીરમોર એવું અમદાવાદ અવ્યવસ્થિત કેવી રીતે થયું. તેના મોટા રસ્તાઓ કેમ કરતા નાના અને ગીચ બન્યાં.પોળો પણ સાવ સંકડામણમાં કેવી રીતે થઇ. આ બધા પ્રશ્નો છે. આ અંગે થોડુંક જોઇએ. મીરાતે અહમદીમાં લખ્યું છે કે, મરાઠા સમયમાં પૈસાઆપો તો ગમે ત્યાં મકાન બાંધવાની પરવાનગી મળતી. તેથી શહેરનાં રસ્તાઓ સાંકડા થઇ ગયા. એમ કહેવાય છે કે મરાઠા સમયમાંઅમલદારને નાણાં આપનારને રસ્તા વચ્ચે મકાન બાંધવાની રજા પણ મળતી. છેવટે રસ્તો એટલો નાનો થઇ જતો કે કેટલીક વાર તો સાવ વાંકોપણ બનતો. કેટલાક તો આ રીતે રસ્તાની જમીન દબાવી પણ લેવાતી. અને આ રીતે અમદાવાદનાં મહામાર્ગ સાંકડા થતા ગયા. ટૂંકમાંગેરકાયદે બાંધકામ મરાઢા સમયમાં ખૂબ થયું. લાંચ આપીને લોકોએ રસ્તાઓ દબાવ્યા. અણઘડ બાંધકામ થયું.વળી શહેરમાં એક જ જગ્યાએ એક કોમના લોકો રહેવા માંડ્યા તે અંગે ઇતિહાસકાર રત્નમણિરાવ લખે છે કે, મરાઠા રાજમાં લોકો પોતપોતાના જથ્થામાં રહેવા લાગ્યા. જેનાથી શહેરનાં કેટલાક ભાગો એકદમ ગીચ થઇ ગયા. આ વિધાન પરથી માલમ થાય છે કે શહેરમાંઘેટોઆઇઝેશનની પ્રક્રિયા ખાસ કરીને મરાઠા સમયમાં થઇ જ્યારે અમદાવાદ ઘણું ખરુ અસુરક્ષિત હતું. અને લોકો પોતાની કોમના લોકો સાથેજ રહેવા માંગતા હતા. સુરક્ષા ખાતર.સ્થાપત્યમાં અમદાવાદનું નામ એક શ્રેષ્ઠ શહેર તરીકે આજે પણ લેવાય છે. પરંતુ ૧૯૩૦ માં ઇતિહાસકાર રત્નમણિરાવ શહેરનાં આધુનિકસ્થાપત્યની ટીકા કરે છે. તેઓ લખે છે કે, અમદાવાદ શહેરમાં બાંધકામને આકર્ષક બનાવવાની ભાવના નાશ પામવા લાગી. ગાડા ઉપરથીઆપણે મોટર પર આવ્યા અને ભવિષ્યમાં વિમાન ઉપર જઇશું તો નવાઇ નથી. કાસદમાંથી તાર ટપાલ અને હવેતો રેડિયો આવ્યા. જીવનધોરણમાં ફેરફાર આવતા બીજી જરૂરિયાત વધતા લોકો હવે પહેલાના જેટલી રૂપિયામાં છુટ ન રહેવા માંડી. એની અસર સ્થાપત્ય પર પડી.તેઓ આગળ વધતા કહે છે કે, અમદાવાદ મ્યુનિસિપાલીટીને પણ દેશી સ્થાપત્યનું શોભે એવું મકાન કરાવવાનું મન ના થયું. અને મોટાઈંટવાડા જેવું મકાન કર્યું એ દીલગીરીની વાત છે. આનાથી પણ આઙ્ગર્યની વાત તો એ છે કે ૧૯૩૦ માં આવી જોરદાર ટીકાનો ભોગ બનેલુંમ્યુનિસિપાલીટીનું મકાન આજે પણ એમનું એમ જ છે. જે આપણા દાયકાઓ પહેલા ટીકા પામેલી આપણી સ્થાપત્યની ભાવના માટે હજુ પણપ્રસ્તુત છે.અમદાવાદ શહેર હવે નાનું પડતું હતું. તેને વિસ્તરણ માટે લોકોેએ પઙ્ગિમનાં વિસ્તારોમાં રહેવા માટે નજર દોડાવી. પહેલા તો માત્ર પૈસાદારોહવા ખાવા માટે બહાર ખુલ્લામાં ( પશ્ચિમ અમદાવાદમાં) બંગલા બાંધતા. આ અંગે વધુમાં રત્નમણિરાવ તેમનાં પુસ્તક અમદાવાદનુંસ્થાપત્યમાં લખે છે કે, આજ સુધી બંગલા પૈસાવાળા કરતા. ગામમાં ઘર હોય અને હવા ખાવા બંગલો બાંધતા. હવે એ પ્રશ્ન સામાન્ય વર્ગનેવિચારવાનો આવ્યો છે. સહકારી મંડળો શહેર બહાર બંગલા બાંધે છે. આ બંગલા સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને બનાવાતા હોવાથીખર્ચનો વિચાર સૌ પ્રથમ કરવામાં આવે છે. આ બંગલાઓથી જૂની સહકારની ભાવનાનો અંત આવશે. પરંતુ એ કરવું જ પડશે. શહેરનાંવિકાસ અને સ્વાસ્થ્ય માટે.તો તરત જ હવે જે પ્રશ્ન હાલમાં પણ સામાન્ય લોકોને નડે છે તે રીયલ એસ્ટેટનાં વધતા અને આસમાને આંબતા ભાવો છે. તે વખતે પણ આજગ્યાઓ મોંઘી થઇ ગઇ હતી. રત્નમણિરાવ લખે છે કે, કોઇ કહે છે કે ગરીબ વર્ગ તો ઠીક પરંતુ સામાન્ય વર્ગ પણ શહેર બહાર છુટાબંગલામાં રહી શકવા સમર્થ નથી.તો ઇતિહાસકાર વાત આગળ વધારતા લખે છે કે, શહેરનું મુખ્ય દવાખાનું સીવીલ હોસ્પિટલનું મકાન જોવું ગમે તેવું નથી. અમદાવાદ જેવાશહેરને લાયક રેલવે સ્ટેશન ક્યાં છે ? અમદાવાદ કરતા ઉતરતા શહેરનાં રેલવે સ્ટેશનો પણ સારા હોય છે. અમદાવાદ મ્યુનિસિપાલીટીનુંમકાન પણ શહેરને લાયક નથી. જાહેર મકાનો આંખને ગમે તેવા નથી થતા તો ખાનગી મકાન પર ટીકા કઇ રીતે થાય. તો પણ આ નવાબંગલાઓ પર પણ તેઓ ટીકા કરવાનું ચુકતા નથી. ૧૯૨૦ ના દાયકામાં બનેલા બંગલાઓ વિશે તેઓ લખે છે કે, બહાર ખુલ્લામાં નવાબનેલા બંગલાઓ ચાર બરફીના ચોસલા ઉપર નીચે ગોઠવ્યા હોય તેવું લાગે છે. તે ચુનો ચોપડેલા ઈંટવાડા હોય તેમ લાગે છે.હાલમાં શોપિંગ મોલ પણ શહેરમાં ઠેર ઠેર બંધાવા માંડ્યા છે. તો વેપારની દુકાનો કેવી હોવી જોઇએ તેનું પણ ધ્યાન અમદાવાદનાં ઇતિહાસમાંરાખવામાં આવ્યું છે. જેમ કે માણેકચોકની જે તે જમાનાની દુકાનો શાસ્ત્રોક્ત હતી. રત્નમણિરાવ બંગલાઓ અને બીજી ઇમારતોની ટીકા કર્યાબાદ દુકાનો વિશે લખે છે કે, શેઠ કસ્તુરભાઇએ પીરમહંદશાહના રોજા સામે જે નવી દુકાનો બંધાવી છે તે આ બાબતમાં મહત્વની અને સુંદરશરૂઆત છે. મકાનો બાંધવામાં અનુકરણ કરવા કરતા આ દુકાનો જેવું નવીન સર્જન કરવાની જરૂર છે. આ દુકાનોથી અમદાવાદનાંબાંધકામના ઇતિહાસમાં ચેતના આવીને નવો યુગ ફરી બેઠો છે અમ કહી શકાય. આ જ ચેલેન્જ આજના અમદાવાદ પાસે છે. શું લોકભોગ્યપ્લાનિંગ અને વિશાળ રસ્તાઓ સાથે આપણે આગળ વિકસી શકીશું. કે પછી માત્ર રીટેઇલ અને રીયલ એસ્ટેટ બુમમાં અનુકરણ કરીનેપસ્તાઇશું. છે કોઇ નવીન સર્જન આપણી પાસે. ૫૯૮ વર્ષ જૂની બ્રાંડ માટે.Tuesday, February 3, 2009

૩૨ કરોડ ૯૯ લાખ ૯૯ હજાર અને ૯૯૮ વાર્તાઓ લખાવાની બાકી છે...


ભારતની ભૂમિ વાર્તાઓ માટે ફળદ્રુપ છે. આપણાં દેશમાં દરેક વાત માટે વાર્તાઓ છે અને વાત ના હોય તેની પણ વાર્તાઓ છે. ૩૩ કરોડ દેવતાઓનો દેશ કે જેમાં દરેક દેવ પાસે પોતાની મહત્તા પુરવાર કરતી વાર્તાઓ છે, જેને લોકો શ્રદ્ધાથી સાચી માને છે. આપણાં દેશમાં લગભગ આટલી જ સંખ્યામાં લોકો ગરીબી રેખા નીચે જીવે છે. મારી વાત માનો તો તેમની પાસે પણ અચૂક એક વાર્તા હશે રોજીરોટી મેળવવાની જદ્દોજહેદની, અને આ વાર્તાઓ તો ગ્રીક ટ્રેજેડી કરતા પણ વધારે ટ્રેજીક હોય છે.
આપણાં દેશમાં દુનિયાના સૌથી લાંબા મહાકાવ્યો છે, અને એ પણ એક એવી ભાષામાં કે જે લુપ્ત થઇ ગઇ છે. ડઝન કરતા વધારે ઓફિશિયલ પ્રાદેશિક ભાષાઓમાં પણ વાર્તાઓની ભરમાર છે, બોલીઓ પણ બચી નથી શકી વાર્તાઓનાં વમળથી.
આપણાં દેશ કે જ્યાં દુનિયામાં સૌથી વધારે ફિલ્મો બને છે. દર વર્ષે હજારથી વધારે ફિલ્મો બનાવે છે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને એનાથી પણ વધારે રસપપ્રદ વાત તો એ છે કે આ બધી ફિલ્મો ડઝન જેટલી કથાવસ્તુઓ પર જ આધારિત હોય છે. હવે આટલી ઓછી કથાવસ્તુ પર આટલી બધી ફિલ્મો બનાવવી એ પણ એક જાતની કલા જ કહેવાયને...ભારતીય અખબારો પણ રસપ્રદ વાર્તાઓથી ખચોખચ હોય છે. આઠ કોલમની અંદર કંઇ કેટલીય વાર્તાઓનાં અંકુરો પડ્યા છે.
બાળમજદૂરોની સંખ્યામાં પણ આપણો દેશ કંઇ પાછળ નથી, અને એ પણ એવા સંજોગોમાં કે જ્યારે બંધારણ બધા બાળકોને ભણવાનો અધિકાર આપે છે. જ્ઞાતિ, જાતિ અને ધર્મની હજુ પણ બોલબાલ છે આ દેશના સામાજિક જીવનમાં, અને એ પણ એવા સંજોગોમાં જ્યારે દેશના પ્રધાનમંત્રી લધુમતિ કોમમાંથી આવે છે, સરંક્ષણ પ્રધાન ખ્રિસ્તી છે અને મુખ્ય ન્યાયાધીશ દલિત .મહિલાઓની સ્થિતિ આ દેશમાં બદતર છે. મહિલાઓ દલિતો અને કચડાયેલો વર્ગ ખાલી બંધારણનાં બે પુંઠા વચ્ચે જ સુરક્ષિત છે. દેશનાં રાષ્ટ્રપતિ એક મહિલા છે ત્યારે.
આપણાં દેશમાં લોકો હિંસાની ભાષા સહેલાઇથી સમજે છે, કે જ્યાં ગાંધી પેદા થયો હતો.
આ બધુ છે છતાં આપણે બેસ્ટ પ્રેક્ટિસમાં માનીએ છીએ, ભારત લોકશાહી દેશ છે.
આમઆદમીની રોજીરોટીનાં સંઘર્ષની અગણિત વાર્તાઓ અને વિરોધાભાસોથી ભરેલો છે આપણો દેશ.
કરોડો લોકો, કરોડો સપનાઓ અને કરોડો વિરોધાભાસ, કરોડો સંઘર્ષની ગાથા
સાહિત્ય માટેના બે મૂળ તત્વો સંઘર્ષ અને વિરોધાભાસ અહિં હાજર છે કરોડોની સંખ્યામાં..
જરૂર છે આમાથી ખાલી એક વાર્તા ઉઠાવાની...
હજુ તો ૩૨ કરોડ ૯૯ લાખ ૯૯ હજાર અને ૯૯૮ વાર્તાઓ લખાવાની બાકી છે...
વેલ ડન વિકાસ સ્વરૂપ અને અરવિંદ અડીગા


Monday, January 19, 2009

વ્હાઇટ ટાયગર અને સફેદ જુઠ !


‘પહેલા ભારતમાં હજજાજરો જ્ઞાતિઓ અને જાતીઓ હતી, પણ આધુનિક ભારતમાં માત્ર બે જ પ્રકારનાં લોકો રહે છે એક તો મોટા પેટ ધરાવતા અને બીજા સંકોચાયેલી હોજરીવાળા વીલાયેલા પેટવાળા, અને આ દેશમાં બે જ નિયતી છે ખાવ અથવા ખવાઇ જાવ...’
શબ્દો છે બલરામ હલવાઇનાં ઉર્ફે વ્હાઇટ ટાયગરનાં, એક કીટલીવાળા ટેણિયામાંથી ઉદ્યોગસાહસિક બનનાર, શાળાનો અભ્યાસ પુરો ન કરી શકનાર આ વ્હાઇટ ટાયગર ધણું બધુ કહી જાય છે આધુનિક ભારત વિશે...
આ વ્હાઇટ ટાયગરની સફળતાનો રસ્તો તેના માલિકની ગરદન પર છરીથી કપાયેલી લોહીથી લથબથ ધોરી નસ પર થઇને જાય છે. બેંગલોરમાં પોતાનાં ધંધો જમાવનાર આ એક સમયનો ચાની કીટલી પર કામ કરતો ટેણિયો, શેઠને ત્યાં નોકરી કરતો ડ્રાઇવર પોતાની સફળતાની વાત કરે છે ચાઇનીસ પ્રમુખને સાત રાત્રીઓમાં લખેલા સાત કાગળો દ્વારા...
કહે છે પોતાની હકીકત સ્પષ્ટ શબ્દોમાં
ઉદ્યોગસાહસિક કઇ રીતે બન્યો એની કથની...
અને હાર્દ સમા વાક્યો બોલે છે કે, ‘આ દેશમાં બે જ નિયતી છે ખાવ અથવા ખવાઇ જાવ...’
ખવાઇ જનારાઓનું વિચારનાર કોણ ?
પ્રશ્ન વ્યાજબી છે, પણ ઉત્તર નથી
સફેદ વાઘ આમ તો અનોખો અને સામાન્ય વાઘ જેટલો જ ખતરનાક હોય છે
‘વ્હાઇટ ટાયગર’ વિશે બલરામ હલવાઇ કહે છે કે, ‘એ એક એવું પ્રાણી છે કે જે આખા જંગલમાં સૌથી અનોખુ, શક્તિશાળી અને ખતરનાક હોય...’
પણ આ બલરામને ખબર નહિં હોય કે
સફેદ સિંહ વધારે ખતરનાક હોય છે
અને એનાથી પણ વધારે ખતરનાક હોય છે
સફેદ સિંહ દ્વારા બોલાતું સફેદ જુઠ્ઠાણું
આપણે ડરવા જેવું છે
કારણ કે આપણાં રાજ્યામાં ઉદ્યોગસાહસિકો
અને સફેદ સિંહ જ્યાં જુઓ ત્યાં મળી આવે છે
(વ્હાઇટ ટાયગર બુકર પ્રાઇઝ વિજેતા અરવિંદ અડીંગાનું પુસ્તક છે)

http://www.guardian.co.uk/books/2008/oct/16/booker-prize

Wednesday, January 7, 2009

કાંકરીયા ચાળો ! તળાવને તો વળી દરવાજા હોય....હોઝ-એ-કુત્બ ઉર્ફે કાંકરિયા તળાવ અમદાવાદને ગર્દાબાદ કહેનાર જહાંગીરને પણ અત્યંત પ્યારું લાગ્યું હતું. બાદશાહે તુઝુક-એ-જહાંગીરીમાં નોંધ્યું છે કે, ‘આ સ્થળ અત્યંત રમણીય અને આનંદ આપે તેવું છે, આ તળાવની રચનાએ મને મોહિત કર્યો છે.’ આખા અમદાવાદને જેટલી આવડતી હતી તેટલી અને ખાસ કરીને એ જમાનામાં બાદશાહનો હોદ્દો ધરાવતી વ્યક્તિ લખી શકે તેટલી અને તેવી ગાળો આપનાર જહાંગીર પણ કાંકરિયાના કામણથી ઘાયલ થયો હતો.
તો યુરોપીયન ટ્રાવેલરો આ તળાવનાં વખાણ થોથા ભરીને કરે છે, અનેક ના સમજાય તેવી વિદેશી ભાષાઓમાં. બર્ગેસ અને ફરગ્યુસન જેવા સ્થાપત્યનાં જાણકારો પણ પોતાનો મત આ તળાવ વિષે ગર્વથી વ્યક્ત કરે છે. હુમાયુ અમદાવાદ આવનાર સૌૈ પ્રથમ મોગલ બાદશાહ હતો તેણે પોતાનું લશ્કર આ તળાવનાં કિનારે જ રોક્યુ હતુ. તે શહેરની સુંદરતાથી એટલો પ્રભાવિત થયો કે તેણે લશ્કરને ફરમાન કર્યું કે, ‘આ શહેરને કોઇ પણ જાતનું નુકશાન પહોંચાડવું નહિં.’
એમ પણ કહેવાય છે કે જહાંગીરને મળવા માટે અંગ્રેજ દૂત સર ટોમસ રોએ પણ બે દિવસ આ જ કાંકરિયાની પાળ પર પ્રેમીઓની જેમ ફિલ્ડીંગ ભરવી પડી હતી. રશિયાનો ઝાર અમદાવાદ આવ્યો ત્યારે આખા કાંકરિયાને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. એ પણ પ્રસન્ન થયો આ તળાવની જાહોજલાલી જોઇને.
૧૪૫૧ થી કાંકરિયા અમદાવાદની પડખે ઉભુ છે, અડીખમ. આ જ કાંકરિયાની આસપાસ એક જમાનામાં દસ જેટલી ટેક્સટાઇલ મીલો હતી, ધમધમતી, સાયકલોની ઘંટડીઓથી ગુંજી ઉઠતું હતું કાંકરિયા. સલ્તનતનાં સુલતાનો, મોગલ બાદશાહો, યુરોપીયનો અને આઝાદ ભારત એમ કંઇ કેટલીય સીકલ જોઇ છે આ કાંકરિયાએ શહેરની. ચુપચાપ એક વડીલની જેમ, પ્રેમથી.
બાદશાહ હોય કે રંક, ઝાર હોય કે પ્રવાસી બધાને મોહિ લેતુ હતુ આ કાંકરિયા, પોતાના હાથ ખુલ્લા રાખીને આવકારતું તળાવ, જે આવે તેને છાતીસરસું ચાંપીને પોતાનું કરી લેતુ તળાવ, હજજારો પ્રેમીઓના અબજો સપનાઓનું સાક્ષી એવું આ તળાવ...
અચાનક થઇ ગયું દરવાજાવાળું તળાવ, હવે મને કોઇ એમ સમજાવો કે તળાવને તો વળી દરવાજા હોય,
એવું નથી કે ખિસ્સામાં દસ રૂપિયા નથી ટીકીટનાં...પણ હવે પગ નથી ઉપડતા કાંકરિયા જવા માટે

તસવીર : પ્રાણલાલ પટેલ, ૧૯૪૦ માં કાંકરિયા કંઇક આવું દેખાતુ હતું..


Tuesday, January 6, 2009

કીલ ધ કંટાળો -- બ્લોગ બનાવવાનો એકમાત્ર હેતુ !


છેલ્લા એક બે વર્ષથી અમારી જીંદગીમાં કંટાળો ઉધઇની જેમ પ્રવેશી ગયો, અચાનક, અને ધીમે ધીમે અમને કોરી ખાવા માંડ્યો. ચાની કીટલી પર નીકળતા અગણિત કલાકો, ચાની ચુસકી અને સીગારેટનાં સફેદ ધુમાડામાં અદ્રશ્ય થઇ જતું અમારું કાળુ હાસ્ય, તંગ ખીસ્સા ઉદાર હાથ, જીંદગીમાં કંઇ કામ નહિં કરવાની ધગશ, જ્યાં મન થાય ત્યાં અને ન થાય ત્યાં પણ બાઇકને કીક મારીને નીકળી જવાની ત્રણ સવારીની ઐયાશી, બધુ ભૂતકાળ થઇ ગયું અમારી જાણ બહાર. હવે તો દરેક વાતમાં કંટાળાનો અનુભવ કોઇ ભુવાને રોજ ધુણતી વખતે માતાજીનાં દર્શન થાય તે રીતે સાક્ષાત થાય છે. બધા પ્લાન બનાવે છે કંટાળો દુર કરવાનો, કોઇ બહાર ફરવા જવાનો પ્લાન બનાવે છે તો કોઇ છોકરીને પટાવાનો, કોઇ રસોઇ શીખે છે તો કોઇ ગીટાર. પણ છેવટે કંટાળો હરી ફરીને નરેન્દ્ર મોદીની યોજનાઓની જેમ આપણી આસપાસ જ આવીને ઊભો રહે છે.જો કે કંટાળો દુર કરવા માટે અમે વધારે જહેમત પણ લેવા નથી માંગતા, બને ત્યાં સુધી બેઠા બેઠા કે વાત કરવાથી તે દુર થાય તો શ્રેષ્ઠ પણ તેમ છતાં આ બલાએ પીછો ના છોડતા બેઠા બેઠા બ્લોગ પર કંઇ લખવાનો વિચાર કર્યો.આ બ્લોગ આમ તો કંટાળો દુર કરવા માટે તૈયાર કર્યું છે માટે વાચકોને કંટાળો નહિં આવે એવી ખાત્રી તો નહિં પ્રયત્ન જરૂર કરીશું. ગુજરાતી લખતા આવડે છે માટે ગુજરાતીમાં જ લખીશું. આટલું પ્રયત્નપૂર્વક ગુજરાતી આ પહેલા ક્યારેય લખ્યું નથી, દસમા ધોરણની પરીક્ષામાં પણ નહિં કે કોઇ પ્રેમીકાને લખેલા કાગળમાં પણ નહિં. પણ મુખ્ય સવાલ એ છે કે આ બ્લોગ પર અમે લખીશું શું ? સવાલ વ્યાજબી છે. બ્લોગનું નામ ‘ઇમોશનલ અત્યાચાર’ છે તેને અને બ્લોગમાં અમે જે લખવાનાં છીએ તે સામગ્રી સાથે કોઇ લેવા દેવા નથી, હિંદી ફિલ્મોનાં ટાઇટલ અને વાર્તા જેટલો જ સબંધ છે આ બંને વચ્ચે. આ બ્લોગમાં લખાશે એવુ બધુ કે જે આનંદ આપે, વિષય કોઇ પણ હોય, બીટલ્સ કે બેગમ અખ્તર કે પછી અમદાવાદ કે એમ્સ્ટરડેમ. દરેક નાની નાની વાતોમાં પણ આનંદ છુપાયેલો હોય છે. તો મિત્રો તૈયાર થઇ જાવ તમારા બખ્તરો સજીને ઇમોશનલ અત્યાચાર હવે ચારેતરફ કાળો કેર વર્તાવશે. બચી શકાય તો બચજો....