Wednesday, May 6, 2009

કેજરીવાલ, વી મીસ યુ



અંકુર એને ઓમકારા કહેતો તો હું કેજરીવાલ, પ્રશાંત એને શિવાજી અને ક્યારેક ભોલેનાથ કહેતો તો રાધા આઉલ. ઓછા બોલા રાહુલને ઓફિસમાં લોકો ઘણાં નામે બોલાવતા. પ્રથમ નજરે ગંભીર પર્સનાલીટી લાગતો રાહુલ મણગાંવકર હું ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં નોકરીએ લાગ્યો ત્યારથી સાથે બેસતા અને સાથે ફુંકતા. સવારે લગભગ અમે બંને સાથે ઓફિસમાં આવતા અને રાહુલ કાળી ચા અને ખભે કાગળીયાથી લદાયેલા થેલો લઇને રૂમમાં દાખલ થતો અને મુડ પ્રમાણે કંઇ કહેતો અથવા ના પણ બોલતો. એ મને પ્રોફેસર કહીને સંબોધતો. બહુ કંટાળી જાય તો કહેતો કે, પ્રોફેસર ગીત વગાડો...મને અંગ્રેજી ગીતો સાંભળતો એણે કર્યો. પહેલી વાર એણે મને બીટલ્સ સંભળાવ્યો અને મને મઝા પડી તો મારાથી વધારે મઝા એને પડી અને ઓફિસમાં અગિયાર વાગ્યા સુધી બેસીને બીટલ્સનાં તમામ પ્રખ્યાત ગીતો એણે મને સંભળાવ્યા. મારી ડીક્સનેરી પણ રાહુલ, મોટાભાગે સ્પેલિંગ હું રાહુલને પુછીને લખતો. રાહુલ કોપી લખતો હોય ત્યારે અને ફોન પર વાત કરતો હોય ત્યારે ખૂબ ગંભીર થઇ જતો, અને ક્યારેક ગુસ્સે પણ. ચા પીવાના અને કીટલી પર જવાનાં દરેક આમંત્રણ એ સ્વીકારી લેતો, સહજતાથી. અમારી નવી બેઠક વ્યવસ્થા પ્રમાણે હું રાહુલ અને ખાનને છેલ્લો રૂમ ફાળવવામાં આવ્યો. રાહુલને આ રૂમ ખૂબ ગમતો. અમારા રૂમનો દરવાજો કોઇ ખુલ્લો રાખે તો એને બિલકુલ ના ગમતું, દરવાજો ખુલ્લો રહેવાથી આપણાં રૂમમાં ખલેલ ઉભી થાય છે એવું એ માનતો. હંમેશા ખુલ્લા રહેલા દરવાજાને એ બંધ કરી દેતો. સઇદખાનને એ જસ્ટીસ કહેતો અને માન પણ આપતો, ખબર નહિં કેમ. ગંભીર રહેતા રાહુલને પ્રશાંત છેડખાની કરતો અને એમાં સૌૈથી વધારે મઝા રાહુલને જ આવતી. માહિતી અધિકાર એના દિલથી નજીક હતો, આ કાયદાની સહેજ પણ છેડખાની એ સહન કરી શકતો નહિં, એવું કંઇ થતા જ માઇલ્ડ રાહુલ ઉકળી જતો. નોનવેજ અને સરકારી અધિકારીઓ પણ રાહુલના રસનો વિષય, સામાન્ય રીતે અધિકારીને એ પોપટ કહીને સંબોધતો અને ખાન પાસે ફેમસનાં ચીકન પફ મંગાવતો, ફોન કરીને. રાત્રે મોડે સુધી રૂમમાં અમે બેસતા અને ગામ આખાની વાતો કરતા અને ગીતો સાંભળતા. દિવસમાં સૌથી વધારે સમય અમારો સાથે જતો. અત્યારે રાત થઇ ગઇ છે, હું રૂમમાં બેસીને લખી રહ્યો છું...રૂમનો દરવાજો ખુલ્લો છે અને રાહુલની ખુરશી ખાલી...

7 comments:

  1. Vashi bhai....u put tears in my eyes ...rahul we all miss u always....i always admired his attitude of taking bull with his horns and have learnt a lot from him.
    KM

    ReplyDelete
  2. Bharat introduced me to him. felt very sincere and always he was in his world what i found whenevr i met him at kitly only with all of you. though i knew him by way of RTI as it was a capaign by him only and got good support from TOI.

    ReplyDelete
  3. ધીરગંભીર પરંતુ ઋજુમનના રાહુલભાઈ ને હું ૨૦૦૩ પ્રથમવખત
    મળ્યો જયારે તેઓ Brand-Ad માં હતા અને હું એક સરકારી મુલાજિમ.
    એ વખતે સક્ષમ માર્કેટિંગ ના માનુસ ની વેધકતા હતી એમનામાં...
    ૨૦૦૫ માં ફરી મળ્યો "દિવ્ય ભાસ્કર" માં
    જ્યાં એક કુશળ શિક્ષક ની અદા થી
    માહિતી અધિકારના કાયદાની સમજ આપતા એમને જોયા.

    ને' ૨૦૦૭ માં એક ઠરેલા પત્રકાર તરીકે "TOI" માં ફરી નવા સ્વરૂપે મુલાકાત થઇ.
    "ટીચ ઈન્ડિયા" ના અભિયાન વેળા અમારી ચર્ચાઓ વધી, વૈચારિક આદાન પ્રદાન થયું, ઘણું શીખ્યો, ઘણું શીખી રહ્યો હતો ત્યાં અચાનક જ, ......રાહુલભાઈ એ નક્કી કર્યું કે, બસ હવે બહુ થયું
    આમ કટકે કટકે નહિ, તને રોજ મળીશ, ....હા, પણ રૂબરૂ નહિ.. બસ એ મીઠી સમૃતિઓમાં...

    રાહુલભાઈ, મૌતને શરમાવી
    અમને ભરમાવીને ભૈ જીવી ગયા તમે...

    ReplyDelete
  4. Vashi I used to read him sometimes. Don't know him personally but while reading it I could feel a good relationship...Its sad. My eyes blurred vision while reading it.

    ReplyDelete
  5. .

    yes, the door is still open and chair is not in the same position.

    .

    ReplyDelete
  6. શ્રી વશીસાહેબ,

    તમારા સુંદર બ્લોગ પર ભૂલથી આવી ચડ્યો પણ બ્લોગની જુદી જુદી પોસ્ટ વાંચી ઘણો આનંદ થયો.

    સાથી પત્રકારનો સાથ અધવચ્ચે છૂટી જાય અને આપણે હસ્તું મોઢું રાખી જિંદગી આગળ વધારવી પડે એવા ઘણા પ્રસંગો મારી જિંદગીમાં પણ આવ્યા હતા તે મને આ બ્લોગ વાંચી તાજા થયા.

    અલબત્ત મને જર્નાલિઝમ છોડ્યે ૨૫થી વધુ વર્ષ થઈ ગયા છે છતાં નાઈટ ડ્યૂટી બાદ ટેબલ પર પસ્તી પાથરી પરોઢિયાંનું એક ઝોકું ખાઈ લીધા પછી આપણાં જ સર્જન સમા છાપાંની ગરમાગરમ તાજી કોપી લઈ એની શાહી સુંધતા સુંઘતા સવારે ઘરે જવાની મજા આજે પણ તમારા જેવા પત્રકારોને એટલી જ આવતી હશે તેની મને ખાત્રી છે.

    -માવજીભાઈના પ્રણામ
    (http://www.mavjibhai.com)

    ReplyDelete