
અંકુર એને ઓમકારા કહેતો તો હું કેજરીવાલ, પ્રશાંત એને શિવાજી અને ક્યારેક ભોલેનાથ કહેતો તો રાધા આઉલ. ઓછા બોલા રાહુલને ઓફિસમાં લોકો ઘણાં નામે બોલાવતા. પ્રથમ નજરે ગંભીર પર્સનાલીટી લાગતો રાહુલ મણગાંવકર હું ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં નોકરીએ લાગ્યો ત્યારથી સાથે બેસતા અને સાથે ફુંકતા. સવારે લગભગ અમે બંને સાથે ઓફિસમાં આવતા અને રાહુલ કાળી ચા અને ખભે કાગળીયાથી લદાયેલા થેલો લઇને રૂમમાં દાખલ થતો અને મુડ પ્રમાણે કંઇ કહેતો અથવા ના પણ બોલતો. એ મને પ્રોફેસર કહીને સંબોધતો. બહુ કંટાળી જાય તો કહેતો કે, પ્રોફેસર ગીત વગાડો...મને અંગ્રેજી ગીતો સાંભળતો એણે કર્યો. પહેલી વાર એણે મને બીટલ્સ સંભળાવ્યો અને મને મઝા પડી તો મારાથી વધારે મઝા એને પડી અને ઓફિસમાં અગિયાર વાગ્યા સુધી બેસીને બીટલ્સનાં તમામ પ્રખ્યાત ગીતો એણે મને સંભળાવ્યા. મારી ડીક્સનેરી પણ રાહુલ, મોટાભાગે સ્પેલિંગ હું રાહુલને પુછીને લખતો. રાહુલ કોપી લખતો હોય ત્યારે અને ફોન પર વાત કરતો હોય ત્યારે ખૂબ ગંભીર થઇ જતો, અને ક્યારેક ગુસ્સે પણ. ચા પીવાના અને કીટલી પર જવાનાં દરેક આમંત્રણ એ સ્વીકારી લેતો, સહજતાથી. અમારી નવી બેઠક વ્યવસ્થા પ્રમાણે હું રાહુલ અને ખાનને છેલ્લો રૂમ ફાળવવામાં આવ્યો. રાહુલને આ રૂમ ખૂબ ગમતો. અમારા રૂમનો દરવાજો કોઇ ખુલ્લો રાખે તો એને બિલકુલ ના ગમતું, દરવાજો ખુલ્લો રહેવાથી આપણાં રૂમમાં ખલેલ ઉભી થાય છે એવું એ માનતો. હંમેશા ખુલ્લા રહેલા દરવાજાને એ બંધ કરી દેતો. સઇદખાનને એ જસ્ટીસ કહેતો અને માન પણ આપતો, ખબર નહિં કેમ. ગંભીર રહેતા રાહુલને પ્રશાંત છેડખાની કરતો અને એમાં સૌૈથી વધારે મઝા રાહુલને જ આવતી. માહિતી અધિકાર એના દિલથી નજીક હતો, આ કાયદાની સહેજ પણ છેડખાની એ સહન કરી શકતો નહિં, એવું કંઇ થતા જ માઇલ્ડ રાહુલ ઉકળી જતો. નોનવેજ અને સરકારી અધિકારીઓ પણ રાહુલના રસનો વિષય, સામાન્ય રીતે અધિકારીને એ પોપટ કહીને સંબોધતો અને ખાન પાસે ફેમસનાં ચીકન પફ મંગાવતો, ફોન કરીને. રાત્રે મોડે સુધી રૂમમાં અમે બેસતા અને ગામ આખાની વાતો કરતા અને ગીતો સાંભળતા. દિવસમાં સૌથી વધારે સમય અમારો સાથે જતો. અત્યારે રાત થઇ ગઇ છે, હું રૂમમાં બેસીને લખી રહ્યો છું...રૂમનો દરવાજો ખુલ્લો છે અને રાહુલની ખુરશી ખાલી...