Monday, January 19, 2009

વ્હાઇટ ટાયગર અને સફેદ જુઠ !


‘પહેલા ભારતમાં હજજાજરો જ્ઞાતિઓ અને જાતીઓ હતી, પણ આધુનિક ભારતમાં માત્ર બે જ પ્રકારનાં લોકો રહે છે એક તો મોટા પેટ ધરાવતા અને બીજા સંકોચાયેલી હોજરીવાળા વીલાયેલા પેટવાળા, અને આ દેશમાં બે જ નિયતી છે ખાવ અથવા ખવાઇ જાવ...’
શબ્દો છે બલરામ હલવાઇનાં ઉર્ફે વ્હાઇટ ટાયગરનાં, એક કીટલીવાળા ટેણિયામાંથી ઉદ્યોગસાહસિક બનનાર, શાળાનો અભ્યાસ પુરો ન કરી શકનાર આ વ્હાઇટ ટાયગર ધણું બધુ કહી જાય છે આધુનિક ભારત વિશે...
આ વ્હાઇટ ટાયગરની સફળતાનો રસ્તો તેના માલિકની ગરદન પર છરીથી કપાયેલી લોહીથી લથબથ ધોરી નસ પર થઇને જાય છે. બેંગલોરમાં પોતાનાં ધંધો જમાવનાર આ એક સમયનો ચાની કીટલી પર કામ કરતો ટેણિયો, શેઠને ત્યાં નોકરી કરતો ડ્રાઇવર પોતાની સફળતાની વાત કરે છે ચાઇનીસ પ્રમુખને સાત રાત્રીઓમાં લખેલા સાત કાગળો દ્વારા...
કહે છે પોતાની હકીકત સ્પષ્ટ શબ્દોમાં
ઉદ્યોગસાહસિક કઇ રીતે બન્યો એની કથની...
અને હાર્દ સમા વાક્યો બોલે છે કે, ‘આ દેશમાં બે જ નિયતી છે ખાવ અથવા ખવાઇ જાવ...’
ખવાઇ જનારાઓનું વિચારનાર કોણ ?
પ્રશ્ન વ્યાજબી છે, પણ ઉત્તર નથી
સફેદ વાઘ આમ તો અનોખો અને સામાન્ય વાઘ જેટલો જ ખતરનાક હોય છે
‘વ્હાઇટ ટાયગર’ વિશે બલરામ હલવાઇ કહે છે કે, ‘એ એક એવું પ્રાણી છે કે જે આખા જંગલમાં સૌથી અનોખુ, શક્તિશાળી અને ખતરનાક હોય...’
પણ આ બલરામને ખબર નહિં હોય કે
સફેદ સિંહ વધારે ખતરનાક હોય છે
અને એનાથી પણ વધારે ખતરનાક હોય છે
સફેદ સિંહ દ્વારા બોલાતું સફેદ જુઠ્ઠાણું
આપણે ડરવા જેવું છે
કારણ કે આપણાં રાજ્યામાં ઉદ્યોગસાહસિકો
અને સફેદ સિંહ જ્યાં જુઓ ત્યાં મળી આવે છે
(વ્હાઇટ ટાયગર બુકર પ્રાઇઝ વિજેતા અરવિંદ અડીંગાનું પુસ્તક છે)

http://www.guardian.co.uk/books/2008/oct/16/booker-prize

Wednesday, January 7, 2009

કાંકરીયા ચાળો ! તળાવને તો વળી દરવાજા હોય....



હોઝ-એ-કુત્બ ઉર્ફે કાંકરિયા તળાવ અમદાવાદને ગર્દાબાદ કહેનાર જહાંગીરને પણ અત્યંત પ્યારું લાગ્યું હતું. બાદશાહે તુઝુક-એ-જહાંગીરીમાં નોંધ્યું છે કે, ‘આ સ્થળ અત્યંત રમણીય અને આનંદ આપે તેવું છે, આ તળાવની રચનાએ મને મોહિત કર્યો છે.’ આખા અમદાવાદને જેટલી આવડતી હતી તેટલી અને ખાસ કરીને એ જમાનામાં બાદશાહનો હોદ્દો ધરાવતી વ્યક્તિ લખી શકે તેટલી અને તેવી ગાળો આપનાર જહાંગીર પણ કાંકરિયાના કામણથી ઘાયલ થયો હતો.
તો યુરોપીયન ટ્રાવેલરો આ તળાવનાં વખાણ થોથા ભરીને કરે છે, અનેક ના સમજાય તેવી વિદેશી ભાષાઓમાં. બર્ગેસ અને ફરગ્યુસન જેવા સ્થાપત્યનાં જાણકારો પણ પોતાનો મત આ તળાવ વિષે ગર્વથી વ્યક્ત કરે છે. હુમાયુ અમદાવાદ આવનાર સૌૈ પ્રથમ મોગલ બાદશાહ હતો તેણે પોતાનું લશ્કર આ તળાવનાં કિનારે જ રોક્યુ હતુ. તે શહેરની સુંદરતાથી એટલો પ્રભાવિત થયો કે તેણે લશ્કરને ફરમાન કર્યું કે, ‘આ શહેરને કોઇ પણ જાતનું નુકશાન પહોંચાડવું નહિં.’
એમ પણ કહેવાય છે કે જહાંગીરને મળવા માટે અંગ્રેજ દૂત સર ટોમસ રોએ પણ બે દિવસ આ જ કાંકરિયાની પાળ પર પ્રેમીઓની જેમ ફિલ્ડીંગ ભરવી પડી હતી. રશિયાનો ઝાર અમદાવાદ આવ્યો ત્યારે આખા કાંકરિયાને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. એ પણ પ્રસન્ન થયો આ તળાવની જાહોજલાલી જોઇને.
૧૪૫૧ થી કાંકરિયા અમદાવાદની પડખે ઉભુ છે, અડીખમ. આ જ કાંકરિયાની આસપાસ એક જમાનામાં દસ જેટલી ટેક્સટાઇલ મીલો હતી, ધમધમતી, સાયકલોની ઘંટડીઓથી ગુંજી ઉઠતું હતું કાંકરિયા. સલ્તનતનાં સુલતાનો, મોગલ બાદશાહો, યુરોપીયનો અને આઝાદ ભારત એમ કંઇ કેટલીય સીકલ જોઇ છે આ કાંકરિયાએ શહેરની. ચુપચાપ એક વડીલની જેમ, પ્રેમથી.
બાદશાહ હોય કે રંક, ઝાર હોય કે પ્રવાસી બધાને મોહિ લેતુ હતુ આ કાંકરિયા, પોતાના હાથ ખુલ્લા રાખીને આવકારતું તળાવ, જે આવે તેને છાતીસરસું ચાંપીને પોતાનું કરી લેતુ તળાવ, હજજારો પ્રેમીઓના અબજો સપનાઓનું સાક્ષી એવું આ તળાવ...
અચાનક થઇ ગયું દરવાજાવાળું તળાવ, હવે મને કોઇ એમ સમજાવો કે તળાવને તો વળી દરવાજા હોય,
એવું નથી કે ખિસ્સામાં દસ રૂપિયા નથી ટીકીટનાં...પણ હવે પગ નથી ઉપડતા કાંકરિયા જવા માટે

તસવીર : પ્રાણલાલ પટેલ, ૧૯૪૦ માં કાંકરિયા કંઇક આવું દેખાતુ હતું..


Tuesday, January 6, 2009

કીલ ધ કંટાળો -- બ્લોગ બનાવવાનો એકમાત્ર હેતુ !


છેલ્લા એક બે વર્ષથી અમારી જીંદગીમાં કંટાળો ઉધઇની જેમ પ્રવેશી ગયો, અચાનક, અને ધીમે ધીમે અમને કોરી ખાવા માંડ્યો. ચાની કીટલી પર નીકળતા અગણિત કલાકો, ચાની ચુસકી અને સીગારેટનાં સફેદ ધુમાડામાં અદ્રશ્ય થઇ જતું અમારું કાળુ હાસ્ય, તંગ ખીસ્સા ઉદાર હાથ, જીંદગીમાં કંઇ કામ નહિં કરવાની ધગશ, જ્યાં મન થાય ત્યાં અને ન થાય ત્યાં પણ બાઇકને કીક મારીને નીકળી જવાની ત્રણ સવારીની ઐયાશી, બધુ ભૂતકાળ થઇ ગયું અમારી જાણ બહાર. હવે તો દરેક વાતમાં કંટાળાનો અનુભવ કોઇ ભુવાને રોજ ધુણતી વખતે માતાજીનાં દર્શન થાય તે રીતે સાક્ષાત થાય છે. બધા પ્લાન બનાવે છે કંટાળો દુર કરવાનો, કોઇ બહાર ફરવા જવાનો પ્લાન બનાવે છે તો કોઇ છોકરીને પટાવાનો, કોઇ રસોઇ શીખે છે તો કોઇ ગીટાર. પણ છેવટે કંટાળો હરી ફરીને નરેન્દ્ર મોદીની યોજનાઓની જેમ આપણી આસપાસ જ આવીને ઊભો રહે છે.જો કે કંટાળો દુર કરવા માટે અમે વધારે જહેમત પણ લેવા નથી માંગતા, બને ત્યાં સુધી બેઠા બેઠા કે વાત કરવાથી તે દુર થાય તો શ્રેષ્ઠ પણ તેમ છતાં આ બલાએ પીછો ના છોડતા બેઠા બેઠા બ્લોગ પર કંઇ લખવાનો વિચાર કર્યો.આ બ્લોગ આમ તો કંટાળો દુર કરવા માટે તૈયાર કર્યું છે માટે વાચકોને કંટાળો નહિં આવે એવી ખાત્રી તો નહિં પ્રયત્ન જરૂર કરીશું. ગુજરાતી લખતા આવડે છે માટે ગુજરાતીમાં જ લખીશું. આટલું પ્રયત્નપૂર્વક ગુજરાતી આ પહેલા ક્યારેય લખ્યું નથી, દસમા ધોરણની પરીક્ષામાં પણ નહિં કે કોઇ પ્રેમીકાને લખેલા કાગળમાં પણ નહિં. પણ મુખ્ય સવાલ એ છે કે આ બ્લોગ પર અમે લખીશું શું ? સવાલ વ્યાજબી છે. બ્લોગનું નામ ‘ઇમોશનલ અત્યાચાર’ છે તેને અને બ્લોગમાં અમે જે લખવાનાં છીએ તે સામગ્રી સાથે કોઇ લેવા દેવા નથી, હિંદી ફિલ્મોનાં ટાઇટલ અને વાર્તા જેટલો જ સબંધ છે આ બંને વચ્ચે. આ બ્લોગમાં લખાશે એવુ બધુ કે જે આનંદ આપે, વિષય કોઇ પણ હોય, બીટલ્સ કે બેગમ અખ્તર કે પછી અમદાવાદ કે એમ્સ્ટરડેમ. દરેક નાની નાની વાતોમાં પણ આનંદ છુપાયેલો હોય છે. તો મિત્રો તૈયાર થઇ જાવ તમારા બખ્તરો સજીને ઇમોશનલ અત્યાચાર હવે ચારેતરફ કાળો કેર વર્તાવશે. બચી શકાય તો બચજો....